- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
- મુખ્યપ્રધાન રૂપાણીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલથી નવાજ્યાં
- છ વિદ્યાશાખાના 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો
- ભાગવત કથાકાર રમેશ ઓઝાને માનદ ડૉક્ટરેટની ડીગ્રી આપવામાં આવી
જૂનાગઢ: પદવીદાન કાર્યક્રમમાં ( First Convocation ) શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પર્યટનપ્રધાન જવાહર ચાવડા, કુલપતિ ડો. ચેતન ત્રિવેદી અને ભાગવત કથાકાર રમેશ ઓઝાએ પણ વિશેષ હાજર રહીને પદવી મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. વર્ષ 2015માં સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 162 જેટલી કોલેજના 30 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે
ભાગવત કથાકાર રમેશ ઓઝાને માનદ ડૉક્ટરેટની ડીગ્રી એનાયત કરાઈ
આજના પદવીદાન સમારોહમાં ( First Convocation ) ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ( BKNMU ) દ્વારા ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રથમ વખત છ વિદ્યાશાખાના કુલ 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યાં હતાં. આ પૈકી 43 વિદ્યાર્થિનીઓ અને 11 વિદ્યાર્થીઓએ વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરીને ઉજ્જવળ દેખાવ કરવા બદલ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
BKNMU First Convocation મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાન રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભાગવત કથાકાર રમેશ ઓઝા સહિત તમામ ઉપસ્થિત મહાનુભાવોએ તેમની આગળની કારકિર્દી માટે અભિનંદનની સાથે આશીર્વાદ પાઠવ્યાં હતાં. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં રાજ્યની 12 જેટલી વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, શિક્ષણશાસ્ત્રીઓ, શિક્ષણવિદો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેર બાદ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ
આ પણ વાંચોઃ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યું છે : મુખ્યપ્રધાન રૂપાણી