જૂનાગઢઃ કથાકાર મોરારી બાપુ પર થોડા દિવસ પહેલા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સોમવારે જૂનાગઢમાં સાધુ સમાજ, આહિર સમાજ, ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વે સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને પબુભા માણેક વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરાઇ હતી.
આવેદનપત્ર આપતી વખતે મહામંડલેશ્વર ભારતીબાપુ, અંબાજી જગ્યાના મહંત તનસુખ ગીરી બાપુ, જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, મેયર ધીરુ ગોહિલ સહિત ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની સાથે સાથે સર્વે સમાજના આગેવાનો પણ જોડાયા હતા.
આ તબક્કે આહીર સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને તેઓએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આહિર સમાજની સાથે મોરારીબાપુની માફી માંગે તેવી માગ કરી હતી. તેમજ જો પબુભા માણેક માફી નહી માગે તો આગામી દિવસોમાં આહીર સમાજ પબુભા માણેક વિરુદ્ધ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.