- કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં 200 કરતાં વધુ મરઘાને દફનાવાયા
- જૂનાગઢ બાદ ગીર સોમનાથ જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગપેસારો
- ડોળાસા ગામમાં 200 કરતાં વધુ મરઘાઓને દફન કરવામાં આવ્યા
- અસરગ્રસ્ત વિસ્તારથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રતિબંધાત્મક આદેશો કરતા જિલ્લા કલેક્ટર
- જૂનાગઢ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂનો પગપેસારો ગીર સોમનાથમાં પણ બર્ડ ફ્લૂનો પગપેસારો
જૂનાગઢ: જૂનાગઢ બાદ સૌરાષ્ટ્રના વધુ એક જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગપેસારો થઇ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં ચાર જેટલા મરઘાઓમાં શંકાસ્પદ બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઇને નમુનાઓ પૃથ્થકરણ માટે મધ્યપ્રદેશ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના ચાર જેટલા મરઘાઓનો બર્ડ ફ્લૂ ટેસ્ટ શનિવારે પોઝિટિવ આવતા ડોળાસા ગામમાં પશુપાલન વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સંક્રમિત વિસ્તારમાં દવાના છંટકાવ સહિત તકેદારીઓ માટે મરઘા પાલન કરતાં લોકોને સાવચેત કર્યા હતા.

બર્ડ ફ્લૂનું સંક્રમણ વધુ ન વિસ્તરે તે માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાંથી બર્ડ ફ્લૂનો સંક્રમણ વધુ આગળ ન વધે તે માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પશુપાલન વિભાગની ટીમ દ્વારા ચાર જેટલા મરઘા ઉછેર કેન્દ્રના 200 કરતાં વધુ મરઘાઓને દફન કરીને તે વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો હતો. વધુમાં આ વિસ્તારમાં મરઘાનું માંસ, ઈંડા તેમજ મરઘા ઉછેર કેન્દ્રને લગતી કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી કે મરઘાના ખોરાકને લાવવા તેમજ લઈ જવા માટે શનિવારથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
