જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જૂનાગઢ નજીક વડાલ પાસે આવેલી કેન્સર હોસ્પિટલમાં દરરોજ સો જેટલા દર્દીઓ કેન્સરની તપાસ અને તેની સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર કહી શકાય તેવી બીમારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને તેમાંય મહિલા દર્દીઓની સંખ્યામાં હવે દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર પર તોળાઈ રહ્યું છે કેન્સર જેવી ગંભીર બીમારીનું સંકટ કેન્સરની સારવાર કરી રહેલા તબીબોના મતે સૌરાષ્ટ્રમાં તમાકુ અને તેની બનાવટો જેવી કે પાન, માવા, મસાલા ફાકી અને ધૂમ્રપાનને કારણે કેન્સર જેવા ભયાનક અને ગંભીર પ્રકારના રોગોની ટકાવારી ૭૦ ટકા સુધી પહોંચી ગઇ છે. પ્રતિ 100 કેસમાંથી 70 ટકા કેસ તમાકુ અને તેની બનાવટને ખાવાથી થતાં હોવાનો મત કેન્સરના નિષ્ણાત સર્જનો વ્યક્ત કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં મોટેભાગે મોંના, જડબાના, અન્નનળી, ફેફસા અને આંતરડાનું કેન્સર જોવા મળે છે તેના કારણમાં તમાકુમાં રહેલ નિકોટીન અને અન્ય ઝેરી પદાર્થો કારણભૂત માનવામાં આવે છે.
સૌરાષ્ટ્ર પર તોળાઈ રહ્યું છે કેન્સર જેવી ગંભીર બીમારીનું સંકટ બીજીતરફ મહિલાઓમાં પણ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મહિલાઓમાં પણ તમાકુને કારણે થતાં કેન્સરના કેસો હવે વધી રહ્યાં છે. સામાન્ય સંજોગોમાં મહિલાઓમાં ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સરના કિસ્સાઓ વધુ જોવા મળતાં હતાં. મહિલાઓમાં થતાં કેન્સર માટે મોટી ઉમરે લગ્ન બાદ સંતાનને સ્તનપાન કરાવવામાં મહિલાઓ ઉણી ઉતરી રહી છે તેને કારણે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ગર્ભાશયને કેન્સરના કિસ્સાઓમાં પણ મોટી ઉંમરે થતાં લગ્નને જવાબદાર માનવામાં આવે છે. આ બે કિસ્સાને બાદ કરતાં હવે મહિલાઓમાં પણ ધૂમ્રપાન કે તમાકુને કારણે થતાં કેન્સરના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યાં છે.