- જી. જી. હોસ્પિટલ ખાતે નવું MRI મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ
- 18 કરોડના ખર્ચે નવું એમ.આર.આઈ.મશીન ખરીદવામાં આવશે
- જી. જી. હોસ્પિટલ અને વિઝન MRI સેન્ટર, જામનગર વચ્ચે MOU કરાયા
જામનગર : જી. જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલા MRI મશીન તા. 16/03/2021ના રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયું હતું. જે બાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા મશીન ઉપલબ્દ્ધ કરાવતી કંપનીના એન્જીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવ્યું હતું, ત્યારે એન્જીનીયર દ્વારા જણાવ્યા મુજબ MRI મશીન જૂનું હોય કંપની દ્વારા હાલ મશીન માટેના કોમ્પ્યુટર સોફ્ટવેરને લગતા પાર્ટ્સ હવે કંપની ઉપલબ્દ્ધ કરાવી શકે તેમ નથી તેમજ મશીન બંધ પડી હોવાથી તેને પુનઃ કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી.
આ પણ વાંચો : જામનગરમાં કોરોનાના ભયથી અનેક લોકો માનસિક રોગના ભોગ બન્યા
નવા MRI મશીન અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરાઈ
ધારાસભ્ય વિક્રમ માડમે MRI મશીન મામલે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આથી હોસ્પિટલ દ્વારા નવું MRI મશીન કે જેની અંદાજીત કિંમત રૂપિયા 18 કરોડ જેટલી થાય છે, તે ખરીદી કરીને જી. જી. હોસ્પિટલને ફાળવવા અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. અત્રે સુવિદિત છે કે, આ પ્રકારની ખરીદી માટે સરકારમાં એક નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં સદરહુ નવું MRI મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પૂર્ણ થયે જેમ બને તેમ ઝડપથી જામનગરને નવું MRI મશીન ફાળવી આપવામાં આવશે.
આ પણ વાંચો : જામનગરમાં પોલીસ દ્વારા સિંધી માર્કેટ બંધ કરાઈ, વેપારીઓની પોલીસ સામે રાવ
MRI મશીન કાર્યરત ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી
આ દરમિયાન હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ કે સારવાર માટે આવતા દર્દીઓને MRI કરવાની જરૂરત પડે તેવા સંજોગોમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ અને વિઝન MRI સેન્ટર, જામનગર વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જે રીતે હોસ્પિટલ બિલ્ડીંગમાં MRI થતું હતું તે જ રીતે હાલ વિઝન MRI સેન્ટર, જામનગર ખાતે થઈ રહ્યું છે. જેનો દર્દીઓ લાભ લઇ શકશે.