જામનગરઃ સમગ્ર રાજ્યમાં કેટલાય દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ હજુ પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોમાં ચીંતા જોવા મળી રહી છે.
જિલ્લાના ચાર તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય બે તાલુકામાં પણ 95 અને 98 ટકા વરસાદ નોંધાયો છે. આમ જિલ્લાના કુલ છ તાલુકામાં સરેરાશ 173 ટકા વરસાદ નોંધાયો છે. જામનગર પંથકમાં ગત વર્ષે ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, તો આ વર્ષે પણ સતત વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ જવાની શક્યતા છે.
શહેરમાં અત્યાર સુધીમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના તાલુકામાં વરસાદની વાત કરીએ તો કાલાવડ તાલુકામાં 187 ટકા, ધ્રોલમાં 117 અને જોડીયામાં 94 ટકા વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકામાં 140 અને જામજોધપુર તાલુકામાં 173 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.
જામનગર જિલ્લામાં આવેલા 24 જળાશયોમાંથી 19 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે 15 જળાશયોમાં સો ટકા પાણીનો ભરાવો થયો છે, તેમજ પાંચ જળાશયોમાં સતત પાણીની આવક થઇ રહી છે.
સતત વરસી રહેલા વરસાદને પગલે ETV ભારતની ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરતા તેમણે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ ખેડૂતો માટે આ વરસાદ ચિંતાજનક બન્યો છે.