જામનગર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે સરકાર દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ધાટન અન્ન અને નાગરીક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દિપપ્રાગટય કરી કરવામાં આવ્યું હતું.
પ્રધાન સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા પહેરાવી હતી. આ પ્રસંગે પ્રધાને યુવાનોને વ્યસનમુક્ત બનવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, વ્યસનથી અનેક બીમારીઓ આવવાની સાથે આર્થિક મુશ્કેલીઓ પણ ભોગવવી પડે છે. આ સાથે જ તેમણે મહાત્મા ગાંધીજીના કાર્યોને યાદ કરી તેમના ચીંધેલા માર્ગ પર ચાલવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુ.કમિશ્નર વસતાની, નશાબંધી અને આબકારી અધિક્ષક સદેવસિંહ વાળા, નશાબંધી મંડળના સભ્ય ખુમાનસિંહ સરવૈયા તથા વ્યસનમુક્તિ માટે કાર્યરત ગાયત્રી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.