- સમાજ શક્તિ જ્યારે કોઇ કાર્યમાં જોડાય છે ત્યારે તે મહા શક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છેઃ પ્રધાન આર.સી.ફળદુ
- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતી રહી
- મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે
જામનગરઃ મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો શુભારંભ કરાવતા કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ ક્ષેત્રના દર્દીઓ સંક્રમિત થઈ શહેરોની હોસ્પિટલ તરફ આવવા લાગ્યા. ત્યારે શહેરોની હોસ્પિટલમાં ઘસારો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેના પરિણામે હવે ગ્રામીણ ક્ષેત્રના લોકો વધુ જાગૃત બન્યા છે. ત્યારે હવે શહેરોમાં પણ કોવિડ સંક્રમણ પર અંકુશ મુકાય તે હેતુથી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વિઠોડા ગામના યુવાનો દ્વારા નવતર પ્રયોગ, આ રીતે કરી રહ્યા છે ગામને કોરોનામુક્ત
કોરોનામુક્ત વોર્ડ બનાવવા અપીલ કરતા પ્રધાન
પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ છે કે, હાલ મહામારી પર અંકુશ મેળવવા કોવિડ લક્ષણો ધરાવતા લોકોને પરિવારથી છૂટા પાડી તાત્કાલિક આઈસોલેટ કરાવે, લોકો વચ્ચે જઈ લોકોને જાગૃત કરે. તમામ જનપ્રતિનિધિઓ એક ટીમ બનાવી વહીવટીતંત્રના સહયોગમાં રહી કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને જુદા તારવશે તો ટૂંકા ગાળામાં જ મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાન સાર્થક થશે.
કુદરતી આપદા વખતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું સમાજને મદદરૂપ થવા વિશેષ કર્તવ્ય બને છે
પ્રધાને ઉપસ્થિત જનપ્રતિનિધીઓને આહવાન કરતા જણાવ્યુ હતુ કે, સમાજની શક્તિ જ્યારે કોઇ કાર્યની અંદર જોતરાઈ જાય છે. ત્યારે તે મહા શક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે. કોરોના વોરિયર્સને પૂરક બળ આપવા માટે જનપ્રતિનિધિઓએ આગળ આવવાનું છે. કુદરતી આપદા વખતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું સમાજને મદદરૂપ થવા વિશેષ કર્તવ્ય બને છે.
કોરોના સામેનો જંગ જીતવા તંત્ર સજ્જ
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારું ગામ કોરોના મુક્ત ગામ બાદ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યમાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે માટે મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં પ્રધાનોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્ય સરકાર સતત લોકોને તમામ રીતે મદદરૂપ થવા પ્રયત્નશીલ છે
બીજી લહેરમાં કોરોનાના કેસમાં ખૂબ વધારો થયો છે, ત્યારે રાજ્ય સરકાર સતત લોકોને તમામ રીતે મદદરૂપ થવા પ્રયત્નશીલ છે. ત્યારે આપણે સૌ જનપ્રતિનિધિઓ આપણા વોર્ડની ચિંતા કરીએ અને સતત લોકોની વચ્ચે રહી તેમને મદદરૂપ બનીએ. મુખ્યપ્રધાનની સુચના અનુસાર આપણા વોર્ડમાં ધનવંતરી રથ તથા સંજીવની રથ જે કોઈ સ્થળે જાય ત્યાં ચૂંટાયેલા હોદ્દેદારો અચૂક સાથે રહે અને લોકોને સારવાર અંગે મદદરૂપ થાય.
પ્રારંભિક તબક્કે જો સારવાર ન લેવામાં આવે તો કોરોના વધુ ઘાતક સાબિત થશે
કોવિડના સામાન્ય લક્ષણોમાં જ જો લોકોને તાત્કાલિક સારવાર મળી જશે, તો આપણે વહેલાસર કોરોનાને હરાવી શકીશું. પ્રારંભિક તબક્કે જો સારવાર ન લેવામાં આવે તો કોરોના વધુ ઘાતક સાબિત થશે. તેથી શરૂઆતમાં જ આવા લોકોની કાળજી લઈશું, તો તેઓ ઘરે રહીને જ સ્વસ્થ થઇ શકાશે.
દરેક ઘરને કોરોના મુક્ત કરવાની રાજ્ય સરકાર દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત દરેક ઘરને કોરોના મુક્ત કરવાની રાજ્ય સરકાર દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ગંભીર નીવડી રહી હતી અને કાબુ બહાર લાગતી સ્થિતીને કોઈપણ જાતના ડર વિના રાત દિવસ સખત મહેનત કરી કાબૂમાં લાવવામાં સફળતા મેળવી છે. તેવા તમામ ફ્રંટ લાઈન વર્કસ, અધિકારીઓ તથા પદાધિકારીઓને અભિનંદન પાઠવું છુ. કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર કરાવી જોઇએ.
કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી કમિશનર વસ્તાણીએ કરી હતી
આ પ્રસંગે મેયર બીનાબહેન કોઠારી, મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ તથા જી.જી.હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તિવારીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું તથા મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહાનગરપાલિકા કમિશનર સતિષ પટેલે તથા કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી કમિશનર વસ્તાણીએ કરી હતી.
આ પણ વાંચોઃ મારું ગામ, કોરોના મુક્ત ગામ' બાદ 'મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ'ની જાહેરાત, રવિવારથી થશે શરૂ
કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહાપ્રધાન મેરામણ ભાટ્ટુ, તમામ વોર્ડના કોર્પોરેટર તથા પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.