- જામનગર સહિત રાજ્યમાં વધી રહ્યા છે, કોરોનાના કેસો
- કોરોના સંક્રમણ વધતા વકીલો કામગીરીથી રહેશે અળગા
- વિટનેસ બોક્સને એક્રેલિક શીટથી મઢવાની માગ સ્વિકારાઈ ન હતી
જામનગર: વકીલોએ એક સપ્તાહ સુધી કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. અદાલતના ખંડમાં વિટનેસ બોક્સને એક્રેલિક શીટથી મઢીને કોરોનાનું સંક્રમણ ઘટાડવાના પ્રયત્નમાં સહયોગ આપવા માટે કરાયેલી વિનંતી સ્વિકારવામાં આવી ન હોવાથી અને હાલમાં કોરોનાના કેસ વધતા જતાં હોવાથી પોતાનો વિરોધ દર્શાવવા બાર એસોસિએશને બુધવારે યોજેલી બેઠકમાં ઉપરોક્ત ઠરાવ પસાર કર્યા પછી તેની નકલ જામનગરના મુખ્ય ન્યાયમૂર્તિને પાઠવી છે.
આ પણ વાંચો: હોળીના તહેવારમાં કલરથી રમવા પર પ્રતિબંધ: નીતિન પટેલ
અરજન્ટ કોર્ટ કાર્યવાહી સિવાય વકીલો ઉપસ્થિત નહી રહે
જામનગર બાર એસોસિએશને આજથી એક સપ્તાહ સુધી કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો બુધવારે મળેલી બેઠકમાં ઠરાવ પસાર થયા પછી નિર્ણય જાહેર કરાયો છે. બાર એસોસિએશને જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજને પાઠવેલી ઠરાવની નકલમાં જણાવ્યું છે કે, હાલમાં જામનગરમાં કોરોનાના કેસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ત્યારે અદાલતમાં પક્ષકારોની ઉપસ્થિતિ પણ ચિંતાનું કારણ બની શકે છે.
માગ ન સ્વિકારાતા લેવાયો નિર્ણય
બાર એસોસિએશને થોડા દિવસો પહેલા અદાલતના ખંડમાં વિટનેસ બોક્સને એક્રેલિક શીટથી મઢી લેવા રજુઆત કરી હતી. તે બોકસમાં જુબાની માટે આવતા પક્ષકારોને કોરોના સંક્રમણ ન થાય તે માટે સાવચેતીના પગલારૂપે ઉપરોક્ત માંગણી કરવામાં આવી હતી. આ માંગણી પૂર્ણ થઈ ન હોવાથી બુધવારે બાર એસોસિએશને બેઠક બોલાવીને કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: કોરોનાના કેસમાં વધારો થતાં સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગ શરૂ કરાયા
કોર્ટના પટાંગણમાં તકેદારી માટે વ્યવસ્થા ઉભી કરવા સૂચના
31 માર્ચ સુધી બાર એસોસિએશનના સદસ્ય વકીલો અરજન્ટ સિવાયની કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે. વધુમાં એસોસિએશને ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જર્જને વિનંતી કરી છે કે, કોર્ટના પટાંગણમાં પક્ષકારો પ્રવેશ ન કરે અને જે વ્યક્તિઓને આવવાનું થતું હોય તેઓ સેનેટાઈઝડ થવા ઉપરાંતના સાવચેતીના પગલાં ભરે તે માટેની વ્યવસ્થા ઉભી કરી આપવી જોઈએ. હાલના સંજોગોમાં કોઈ કેસના અસીલ, પક્ષકાર, વકીલ હાજર ન રહી શકે તો કોઈ કેસને નુકસાન ન થાય તે રીતે કેસનું સ્ટેજ રાખવા પણ વિનંતી કરવામાં આવી છે.