- રિલાયન્સ દ્વારા રીતુબા જાડેજાને અપાયું સન્માન
- રીતુબા જાડેજાએ રેસલિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે
- ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં અનેકવાર વિજેતા થઈ ચૂકી છે
જામનગર: રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના પ્રોત્સાહનથી જામનગર જિલ્લાના જોગવડની પ્રતિભાશાળી મહિલા યુવા ખેલાડી રીતુબા નટુભા જાડેજાએ રેસલિંગ (કુસ્તી)ની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ યુવા ખેલાડીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ માટેની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો: રિલાયન્સની મોટી જાહેરાત: ઓઇલ-ટુ-કેમિકલ્સના કારોબાર માટે અલગ કંપની બનાવશે
રીતુબાએ રેસલિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
ધી એસોસિએશન ઓફ ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ – ઇન્ટરનેશનલ તથા નેપાળ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા નેપાળના પોખરા ખાતે તાજેતરમાં યોજાયેલ TAFTYGAS- ઇન્ટરનેશનલ ગેમ્સ 2020-21માં રેસલિંગની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી 59 કી.ગ્રા.થી ઓછા વજનની કેટેગરીમાં રીતુબા જાડેજાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
આ પણ વાંચો: જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર, વાંધા અને સૂચનો માગવામાં આવશે
ધનરાજ નથવાણીએ શુભેચ્છાઓ પાઠવી
જામનગર જિલ્લાના જોગવડના વતની અને ભારતીય સેનાની આર્ટિલરી બ્રિગેડમાં 24 વર્ષ સુધી સેવા પ્રદાન કરનાર પૂર્વ સૈનિકની પુત્રી રીતુબા જાડેજા રેસલિંગ (કુસ્તી) અને કબડ્ડીના ખૂબ સારાં રમતવીર છે. અભ્યાસકાળ દરમિયાન યુનિવર્સિટી કક્ષાએ તથા ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં તેઓ અનેકવાર વિજેતા થઈ ચૂક્યાં છે. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ આ યુવા ખેલાડીને શુભેચ્છાઓ પાઠવી સ્પર્ધા માટે થયેલ તમામ આનુષાંગિક ખર્ચ ઉઠાવી પ્રોત્સાહિત કરતાં તેમના પરિવારજનોએ આભારની લાગણી વ્યક્ત કરી છે.