જામનગર- ધન્વંતરિનું શિલારોપણ ઇ.સ.1944માં થયું હતું. ગુજરાતનાં જામનગર જિલ્લામાં આઝાદી પહેલા રાજવી દિગ્વિજયસિંહજીએ ધન્વતંરિ મંદિરની ભવ્ય ઈમારત બનાવી હતી. તે વખતના મહારાણી ગુલાબકુંવરબાના મનમાં એકાએક વિચાર સ્ફૂર્યો કે તેમના શ્વસુર મહારાજા જુવાનસિંહજી વૈદકના જાણકાર હતાં. તેઓ મર્યાદિત સાધનો અને સુવિધાઓ વચ્ચે પણ દેશી દવાઓના પડીકાઓ વડે તેમની પાસે આવતા દર્દીઓને રોગમુક્ત કરી શકતાં હતાં. તો આ દિશામાં વધુ સંશોધન ઇત્યાદિ કરવાનું યોગદાન આપી શકાય.
આ વિચારને મહારાણીએ એ સમયના ઇરવીન હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. પ્રાણજીવન મહેતા સમક્ષ રજૂ કર્યો અને આયુર્વેદ કોલેજના બીજ રોપાયા. ઇ.સ.1940 થી 1942 આસપાસ 'સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ' હેઠળ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના કરવામાં આવી. સંસ્થાએ લુપ્ત થતા જતાં આયુર્વેદિક શાસ્ત્રને નવજીવન બક્ષવાનો યત્ન આરંભ્યો. દેશભરમાંથી પ્રખર વૈદરાજોને આમંત્રણ આપી એકત્ર કરવામાં આવ્યાં. ધન્વંતરિ મંદિરથી ચાલુ થયેલી સફર આજે પણ અવિરત છે.દેશની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીનું (Gujarat Ayurved University) ગૌરવ ધરાવતી યુનિવર્સિટીમાં આજે પણ માત્ર ભારત નહીં વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ આપી ITRA -વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) એ દેશનું સર્વપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સંસ્થાન છે. ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનું નિર્માણ કરશે. જેનો સીધો લાભ રાજ્યની-દેશની જનતાને મળશે. આ એમ.ઓ.યુ થવાથી જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી (Gujarat Ayurved University) પરિસરમાં કાર્યરત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, આઇ.આઇ.એ.પી.એસ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના ગુજરાતની ધરતી પર આયુર્વેદ ચિકિત્સા, અનુસંધાન અને શિક્ષણ જેવી બાબતોમાં વિશ્વસ્તરે નવા પરિમાણો આકાર પામશે. હવે આયુર્વેદ માટે વિકાસના નવા આયામો ખૂલશે અને લોકોને તેનો લાભ મળશે. શિક્ષણ, અનુસંધાનની સાથે ચિકિત્સા બાબતોમાં ઉપ્લબ્ધિના નવા દ્વારો પણ ખૂલશે તેવો પીએમ મોદીનો દ્રઢ વિશ્વાસ છે. આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવીન અભ્યાસ અને શિક્ષણ પ્રણાલી બનાવવી સરળ થશે.
આયુર્વેદ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓને આકાર આપી શકાશે -ITRA ગુજરાત રાજ્યમાં કાર્યરત થવાથી તબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓને આકાર આપી શકાશે. એટલુ જ નહીં આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં સરળતા થશે. આયુર્વેદ ક્ષેત્રે નવીન શિક્ષણ, ચિકિત્સા અને શોધ પદ્ધતિને તૈયાર કરવામાં સરળતા થશે. અભ્યાસ અને અનુસંધાન પ્રક્રિયાને વધુ ઊંડાણપૂર્વકના બનાવી શકાશે.
આ પણ વાંચોઃ PM Modi Jamnagar Visit : PM નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર ડો.ટેડ્રોસ જામનગર કેમ આવી રહ્યાં છે? જાણો
કોરોનાકાળની સેવાએ લોકોનું વધુ ધ્યાન ખેચ્યું -જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી (Gujarat Ayurved University) કોરોના સમયમાં ચર્ચામાં આવી હતી કારણ કે કોરોના દર્દીઓને આયુર્વેદિક ઉપચારથી અનેક ફાયદા થયા છે. મોટાભાગના કોરોનાના દર્દીઓ સાજા પણ થયા છે. તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જામનગર જિલ્લામાં 30 ધનવંતરી રથ દ્વારા ઉકાળો લોકોને આપવામાં આવતો હતો. જે કુદરતી ઔષધિથી બનાવેલો હતો.
આ સંસ્થા માટે પીએમ મોદીને પહેલેથી લગાવ - દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે પણ આયુર્વેદ યુનિવર્સિટી (Gujarat Ayurved University)પ્રત્યે તેમને લગાવ હતો. આયુર્વેદિક ઉપચારોનો લોકો વધુ લાભ લે તેવી તેમની તમન્ના હતી. જોકે વડાપ્રધાન બન્યા બાદ તેમણે આયુર્વેદિક યુનિવર્સિટીને વિશેષ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો અને બાદમાં સમગ્ર વિશ્વમાં જામનગરનું નામ ગુંજતું કર્યું. કારણ કે આયુર્વેદિક યુનિવર્સિટીએ WHO સાથે એમઓયુ (WHO Global Center for Traditional Medicine ) કર્યા છે. હવે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીનો લાભ વિશ્વના 138 દેશોને (WHO GCTM) મળશે અને જામનગરમાં જ આયુર્વેદનું સંશોધન તેમજ દવાઓનું ઉત્પાદન થશે.