જામનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ના પડઘમ ચોતરફ વાગી રહ્યા છે. ચૂંટણી આયોગ કોઈપણ સમયે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપે 99 બેઠક જીતી હતી. કોંગ્રેસે 77 બેઠક જીતી હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે. પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat election 2022 ) આમ આદમી પાર્ટી અને ઓવેસીની પાર્ટી પણ ઝંપલાવી રહી છે. આ કારણોસર સત્તાપક્ષ અને વિપક્ષનું ગણિત ખોવાઈ શકે છે આ તમામ વચ્ચે આજે અમે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ( Jamnagar Rural Assembly Seat ) ની જાણકારીથી માહિતગાર કરીશું.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકીની એક જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ( Jamnagar Rural Assembly Seat ) 77 માં ક્રમની બેઠક છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તાર જામનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે . જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 1,22,045 પુરુષ મતદાર અને 1,11,543 મહિલા મતદારો મળી કુલ 2,31,588 મતદારોનો સમાવેશ થાય છે .આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને ત્યારબાદ લેવા અને કડવા પટેલ મતદારોની સંખ્યા છે. મુસ્લિમ સમાજના મતદારો 18.42 ટકા લેઉવા પટેલના મતદારો 13.98 ટકા કડવા પટેલના 9.19 ટકા ક્ષત્રિય સમાજના 9.14 ટકા અને એસસી એસટી મતદારો 9.1 ટકા છે. જામનગર બેઠક પર જ્ઞાતિ જાતિના સમીકરણોનો ખૂબ પ્રભાવ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એક લાખ 75 હજાર જેટલા મતોની જંગી લીડ મળી હતી. તો વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતાં.
અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2019માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ( Jamnagar Rural Assembly Seat )ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ ( Raghavji Patel Seat ) નો 33,022 મતથી વિજય થયો હતો. ભાજપે બેઠક ફરી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને પછડાટ આપીને વિજય મેળવ્યો હતો. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાઘવજી પટેલે ભાજપ નેતા રણછોડ ફળદુને હારનો સ્વાદ ચખાડ્યો હતો અને જીત મેળવી હતી. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ પક્ષપલટો કરીને કેસરિયો ધારણ કર્યો હતો. વલ્લભભાઈ ભાજપમાં ભળતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ત્યારબાદ આ બેઠક ખાલી થઈ જતા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાઘવજી પટેલ સામે કોંગ્રેસ નેતા જયંતીભાઈ સભાયા ( Jayantibhai Sabhaya Seat ) ઊભા રહ્યાં હતાં. આ પેટા ચૂંટણીમાં કુલ 2,31,558 મતદારોમાંથી 1,50, 843 મતદારોએ મતદાન કરતા 65.13 ટકા મતદાન થયું હતું.
આ બેઠકથી જીતીને રાઘવજી પટેલ બન્યાં પ્રધાન ભાજપમાં આવ્યાં બાદ 2019 પેટાચૂંટણી જીતીને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કેબિનેટપ્રધાન બનાવવામાં આવ્યા છે અને તેમણે કૃષિ પશુપાલન ગોવર્ધન વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ખાસિયતો જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ( Jamnagar Rural Assembly Seat )માં મોટાભાગના મતદારો કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખાસ કરીને માલધારીઓ તેમજ હંમેશા ધંધો રોજગારની તલાશમાં સ્થળાંતર કરતા લોકો વધુ સંખ્યામાં જોવા મળી રહ્યા છે. કારણ કે જામનગર ગ્રામ્ય પંથકમાં અવારનવાર ઓછો વરસાદ પડવાના કારણે આ લોકો રોજગારીની શોધમાં અન્ય જિલ્લામાં પણ જતા હોય છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસુ સિઝન સારી જાતિ હોવાના કારણે હવે ગ્રામ્ય વિસ્તારના લોકો બ્રાસપાટ ઉદ્યોગ તરફ પણ આકર્ષાયા છેે. ગ્રામ્ય કક્ષાએ આ ઉદ્યોગ પણ વિકસી રહ્યા છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના લોકોની માગ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ( Jamnagar Rural Assembly Seat ) વિસ્તારમાં મોટાભાગે કાચા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. તો સિંચાઈ માટે મોટા તળાવનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને તળાવનું સિંચાઈનું પાણી મળતું નથી. આ ખેડૂતોએ વરસાદી ખેતી પર આધાર રાખવો પડે છે. ત્યારે ખેડૂતો તેમજ ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ નવા ચેકડેમો બનાવવામાં આવે. તેમ જ રોડ રસ્તા અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સારી સ્કૂલ કોલેજની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે.