જામનગર સહિત રાજ્યમાં મંગળવારે મગફળીનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ થયું છે અને રજીસ્ટ્રેશન શરૂ થતાની સાથે ખેડૂતો વહેલી સવારેથી હાપા માર્કેટ યાર્ડ ખાતે ઉમટ્યા હતા. પરંતુ રજીસ્ટ્રેશન કરનારા કર્મચારીઓ મોડા આવતા ખેડૂતો પરેશાન થયા હતા.
નોંધનીય છે કે, જામનગર પંથકમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. એવામાં હાપા માર્કેટ યાર્ડમાં હાજર કર્મચારીઓ પાસે કોમ્પ્યુટર જેવી પાયાની સુવિધાઓ ન હોવાથી રજિસ્ટ્રેશનની કામગીરી કેવી રીતે પાર પાડવી તેવા સવાલો ઉઠયા હતા તથા કોમ્પ્યુટર ન હોવાથી મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોને મગફળીના ટેકાનો ભાવ આપવાની જાહેરાત કરે છે તો બીજી બાજુ રજીસ્ટ્રેશન કરનારા કર્મચારીઓને કોમ્પ્યુટરની સુવિધા આપવામાં આવતી નથી. જેથી સરવાળે હેરાન થવાનો વારો ખેડુતોના ભાગે જ આવે છે.