- જામનગરની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર
- વેપારી અને ગ્રાહકો બંને કરી રહ્યા છે બહિષ્કાર
- રાજ્ય સરકારે ચાઈનીઝ ફટાકડા પર મૂક્યો પ્રતિબંધ
જામનગરઃ શહેરમાં દિવાળીના તહેવાર પર અમુક ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થયું છે. ચાઈનાની મોટાભાગની વસ્તુઓ પર પ્રતિબંધ હોવાને કારણે બજારમાં જોવા મળતી નથી.શહેરના વેપારીઓ તેમજ ગ્રાહકો પણ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે.

દેશમાં ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ
ચાઈનીઝ વસ્તુઓનું વિશ્વના અનેક દેશોમાં વેચાણ થઈ રહ્યું છે. જો કે ભારત અને ચીન બોર્ડર પર ચીનના સૈનિકો દ્વારા વારંવાર કરવામાં આવતી ઘુસણખોરી હુમલો કર્યા બાદ ભારતીય સૈન્યના સૈનિકો શહીદ થવાથી દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકારે ચાઈનીઝ એપલિકેશન બંધ કરી ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. સાથે સાથે ચાઈનીઝ ચીજવસ્તુઓ જે બજારમાં વેચાઇ રહી છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ ગુજરાત સરકારે આ વર્ષે દિવાળીના તહેવાર પર ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે.

સ્વદેશી ફટાકડાનું વેચાણ વધ્યું
રાજ્યમાં ચાઈનીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સ્વદેશી ફટાકડાઓનું પણ વેચાણ વધ્યું છે. જામનગરના વેપારીઓના જણાવ્યા અનુસાર દુકાનો પર જે ગ્રાહકો ખરીદી માટે આવી રહ્યા છે, તે ગ્રાહકોમાં પણ ચાઈનીઝ વસ્તુઓને લઈને અણગમો જોવા મળી રહ્યો છે. આથી ચાઈનીઝ વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકો ઇચ્છાશક્તિ બતાવતા નથી.