- અબોલ પક્ષીઓ દોરીથી ઇજાગ્રસ્ત બની રહ્યા છે
- આ પક્ષીઓને બચાવવા એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ આવ્યું સામે
- સ્ટોર બૂક કરી પક્ષીઓને અપાઈ રહી છે સારવાર
જામનગર: ઉત્તરાયણના તહેવાર પર પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થતાં હોવાના બનાવો બની રહ્યા છે, ત્યારે જામનગરમાં રણમલ તળાવ ખાતે એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્ટોર બુક કરવામાં આવ્યો છે.આ સ્ટોરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ક્યા ક્યા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં?
શિયાળાની શરૂઆત થતાં જ જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઈરાક અને પાકિસ્તાનમાંથી આ વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરમાં આવે છે. જો કે, ઉત્તરાયણના તહેવાર પર આ વિદેશી પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત બનતા હોય છે. આ સાથે જ કબૂતર તેમજ ચકલી, પોપટ અને અને કાગડાઓ પણ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.
જામનગરમાં એનિમલ વેલફેર સોસાયટીએ જૂનાગઢથી પક્ષીઓના ડૉક્ટરને બોલાવ્યા
જામનગરમાં ઉત્તરાયણના તહેવાર પર મોટી સંખ્યામાં પક્ષીઓ ઈજાગ્રસ્ત બનતા હોય છે, ત્યારે એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે જૂનાગઢથી પક્ષીઓના સ્પેશિયલ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા છે. આ ડૉક્ટર દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને ફોરેસ્ટ વિભાગમાં સોંપવામાં આવે છે. ત્યારબાદ ઈજામાંથી સાજા થયેલા પક્ષીઓને ખુલ્લા વાતાવરણમાં છોડી દેવામાં આવે છે.
બર્ડ ફ્લૂની દહેશતનો પગલે PPE કીટમાં પક્ષીઓની સારવાર
દેશમાં બર્ડ ફ્લૂએ પગપેસારો કર્યો છે અને દેશના 10 જેટલા રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસ પણ નોંધાયા છે, ત્યારે જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. જેથી જામનગરમાં બર્ડ ફ્લૂની આશંકાને પગલે જૂનાગઢથી આવેલા ડૉક્ટર PPE કીટ પહેરી ફરજ બજાવી રહ્યા છે. જો કે, જામનગર જિલ્લામાં હજુ સુધી એક પણ બર્ડ ફલૂનો કેસ નોંધાયો નથી.