જામનગરઃ રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ જામનગરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવે જામનગરમાં કોવિડ-19ની હાલની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતા.
જામનગરમાં કોરોનાની પરિસ્થિતિ
એક્ટિવ કેસ | ડિસ્ચાર્જ | કુલ મોત |
139 | 273 | 9 |
અધિક મુખ્ય સચિવે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પોઝિટિવ આવેલા દર્દીઓના વિસ્તાર, વોર્ડ તેમજ ઝોન વાઇઝ માહિતી મેળવી હતી. આ ઉપરાંત CCTV દ્વારા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલની સ્થિતિની જાણકારી મેળવી હતી. આ સાથે જ જામનગરમાં હાલમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા આગોતરી તૈયારીના ભાગરૂપે આવશ્યક દવાઓ, સાધનો, સ્ટાફ વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ જામનગરમાં કોરોના સંક્રમણ વધે નહીં અને સારવાર વધુ સારી રીતે થઇ શકે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, જામનગરમાં હાલ સુધીમાં 450 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે. ત્યારે આ સંક્રમણને અટકાવવા તેમજ સંક્રમણ વધે તો આગોતરી તૈયારીઓના ભાગરૂપે જામનગરમાં લોકોને રિવર્સ આઇસોલેશન એટલે કે વૃદ્ધો-બાળકો કે અન્ય ગંભીર રોગ ધરાવતા જેવા કે ડાયાબિટિસ, બી.પી વગેરેના દર્દીઓ આ રોગનો વધુ ભોગ બને છે તેવા લોકોને અલગ ઘરમાં રહેવા જવું, જ્યાં પોતે ક્વોરેન્ટાઇન રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.
જામનગરમાં આજથી ચા અને પાન મસાલાની દુકાન બંધ રહેશે...
વાંચોઃ જામનગરમાં ચા અને પાનમસાલાની દુકાનો બંધ રહેશે, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ધનવંતરી રથ દ્વારા દરેક વિસ્તારોમાં આરોગ્ય સર્વેલન્સ અને આરોગ્યની અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે, લોકો તેનો લાભ લે. આ ઉપરાંત લોકોને 104 હેલ્પ લાઇન પર ફોન કરી ઘરબેઠાં સારવાર મેળવી શકાશે.
જિલ્લા સમાહર્તા રવિશંકરે કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલ કુલ 28 જેટલા ધનવંતરી રથ લોકસુખાકારી આરોગ્યની સુવિધા હેતુ કાર્યરત છે, ત્યારે જામનગર જિલ્લાના તમામ નાગરિકો પોતાના વિસ્તારમાં આવતા ધનવંતરી રથનો લાભ લઇ નિરોગી રહેવા આગળા આવે. સાથે જ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સર્વેમાં ભાગ લઇ પોતાની સ્થિતિ વિશેની જાણકારી તેમાં અપલોડ કરે, જેથી કોવિડની આ સ્થિતિમાં તંત્ર લોકોને વધુ મદદરૂપ બની શકે. આ એપ થકી લોકો પોતાના વિસ્તારમાં કે પોતે કોઇ અન્ય વિસ્તારમાં જતા પહેલા અગાઉ જ આસપાસના પોઝિટિવ કે શંકાસ્પદ દર્દી વિશે જાણી સંક્રમણથી બચી શકશે. આ માટે એપ ડાઉનલોડ કરી ઇન્ટરનેટ ચાલુ રાખવા જિલ્લા કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો હતો.
આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે લોકોને અનુરોધ કર્યો છે કે, વર્ષાઋતુમાં ગત વર્ષે જામનગરમાં ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ઉનાળામાં લોકો પક્ષીઓ માટે પાણી રાખવા પક્ષી કુંજ રાખતા હોય છે પરંતુ તેની અંદરનું પાણી વાસી થતાં તેમાં મચ્છરના પોરા બને છે અને તેનાથી ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય છે. જેને લઇ હાલમાં લોકો આ પક્ષી કુંજને સાફ કરી રાખી દે અથવા તો તેમાં રોજ સ્વચ્છ પાણી ભરે, અગાસી પર રાખેલા પાત્રો, ટાયર વગેરેમાં પાણીના ભરાવાને અટકાવે અને આવી જ અન્ય તકેદારીઓ થકી ડેન્ગ્યુને અટકાવવામાં પોતાનો અનન્ય સહયોગ આપે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર વગેરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.