- ગોચરની જમીન પર ૪૦ જેટલા લોકોએ પેશકદમી કરી
- મોટા થાવરિયામાં દબાણ દૂર કેમ ન થયું?
- ગરીબોના ધંધા રોજગાર પર શું થશે અસર?
જામનગર : શહેરના મોટા થાવરીયા ગામે ગોચરની જમીન પર 40 જેટલા લોકોએ પેશકદમી કરી છે. ત્યારે મામલતદાર તેમજ પોલીસ કાફલા સહિતની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે પહોંચ્યા હતા.
ગ્રામજનોએ ભારે વિરોધ કરતાં આખરે મામલતદાર પોતાને ટીમ લઈ પરત ફર્યા હતા.
મોટા થાવરિયામાં કઈ રીતે કરવામાં આવી છે પેશકદમી?
મોટા થાવરીયા ગામમાં અનેક લોકોએ ગોચરની જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ તેમજ ભરડીયા અને ઈટના ભઠ્ઠા બનાવી લીધા છે. ખુલ્લી જગ્યામાં સ્થાનિકોઓએ જ્યાં જુઓ ત્યાં દબાણ કરી લીધું છે.વહીવટીતંત્ર જણાવી રહ્યું છે કે ગૌચરની જમીન પર કબજો કરવામાં આવ્યો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે થાવરીયામાં લોકોને નોટીસ પાઠવ્યા વગર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમુક લોકોને જ કેમ નોટિસ આપવામાં આવી?
મહિલાઓ મોટી સંખ્યામાં અહીં એકઠી થઈ હતી અને જેસીબી સામે બેસી જતા મામલતદારે પીછેહઠ કરવી પડી હતી. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ગામમાં અન્ય લોકોએ પણ તે કાયદેસર દબાણ કર્યા છે. તો તેમને કેમ નોટિસ આપવામાં આવી નથી અને અમુક જ લોકોને નોટિસ આપીને તેના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી જે ભેદભાવભરી નીતિ હોવાનું જણાવી રહ્યા છે. મોટા થાવરિયા ગામમાં છેલ્લા 35 વર્ષથી રહેતા હીનાબેને જણાવ્યું હતુ કે, તેઓ ગરીબ માણસ છે અને પોતાની રોજની રોજીરોટી મેળવે છે. જ્યારે વહીવટીતંત્ર દ્વારા તેમનું દબાણ દૂર કરવામાં આવશે તો તેમની રોજગારી છીનવાઈ જશે.