- 100થી 150ની ઝડપે પવન ફૂંકાશે
- 66 કિલો લીટર લિક્વિડ ઓક્સિજન ઉપલબ્ધ છે
- વધુ 14 કિલો લીટર લિક્વિડ ઓક્સિજન ના ટેન્કર સ્પેરમાં રખાશે
જામનગરઃ જામનગરમાં જિલ્લા કલેક્ટર રવિ શંકર દ્વારા તૌકતે વાવાઝોડાને લઇને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તૌકતે વાવાઝોડા અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં જી.જી.કોવિડ હોસ્પિટલમાં વીજળી ખોરવાય તો જનરેટરની સુવિધા કરવામાં આવી છે. જી.જી.કોવિડ હોસ્પિટલમાં વાવાઝોડા અંગેની મોકડ્રીલ પણ કરવામાં આવી છે.
22 ગામોમાં 3 હજાર લોકોનું આજે સાંજે સ્થળાંતર કરવામાં આવશે
વાવાઝોડાના કારણે 7 મીઠાના અગરમાં 1100 અગરિયાને ખસેડવાની સૂચના આપવામાં આવી છે. 22 ગામોમાં 3 હજાર લોકોનું આજે સાંજે સ્થળાંતર કરવામાં આવશે. PGVCLની તમામ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ફૂડ પેકેટ માટે વિવિધ સંસ્થાઓને સંપર્ક કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યકિત રીસ્ક લીધા વગર ઘરમાં રહે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કપારાડાના આમધા ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડતા 15 મકાનને નુકસાન
ખેડૂતોને પોતાની જણસીઓ સલામત સ્થળે ખસેડવા વિનંતી કરાઇ છે
તંત્રને વાવાઝોડાની આપદામાં સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોને પોતાની જણસીઓ સલામત સ્થળે ખસેડવા વિનંતી કરાઇ છે. ખેડૂતોને ભારે વરસાદના કારણે ઢોર છૂટા રાખવા વિનંતી કરાઇ છે, જેથી ઢોર પર વીજળી ના પડે. જી.જી.કોવિડ હોસ્પિટલમાં સાતમા અને આઠમા માળના દર્દીઓને નીચેના વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. નેવીના 100 જવાનો અને એસસેસબીના 200 જવાનો મદદમાં ખડેપગે છે. એરફોર્સના હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ચક્રવાત તૌકતેની સુરત પર અસર
વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા માટે કેવી તૈયારીઓ કરાઇ છે?
- સવારના 10:00 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાના કારણે સલામતીના પગલા રૂપે 2243 લોકોનું આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
- 998 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે.
- NDRFના 25 જવાન અને બોટ સાથેની એક ટીમને જોડીયા અને ધ્રોલ તાલુકામાં તાકીદની બચાવ અને રાહતની કામગીરી અર્થે જોડીયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
- જિલ્લામાં તાકીદની બચાવ અને રાહતની કામગીરી માટે મહેસુલ વિભાગની- 14, ફોરેસ્ટ વિભાગની -4, રોડ અને બિલ્ડીંગની-6, PGVCL-8, આરોગ્ય વિભાગની- 12 જેટલી QRT ટીમની રચના કરવામાં આવી છે.