- કોરોના કહેર યથાવત
- દ્વારકા જિલ્લાના દર્દીએ કરોના હરાવ્યો
- પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દર્દીઓ માટે જામનગરની કોવિડ હોસ્પિટલ આશિર્વાદ સમાન
જામનગરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામના ખેડૂત ધીરજલાલ સીતાપરાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર અર્થે જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ખેડૂતે કોરોનાને હરાવ્યો ત્યારે કહ્યું કે, કોરોનાને મટાડવા મારે હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી. 5 દિવસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મને દવા, ઇંજેકશન, રહેવા-જમવાનું વગેરે વિનામૂલ્યે પ્રાપ્ત થયું છે.
કોરોનાને મટાડવા મારે હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી
ધીરજલાલ સીતાપરાને તાવ-શરદી-શ્વાસની તકલીફ થતાં પોતાના ગામ નવાગામથી 4 કિલોમીટર દૂર આવેલા ભાણવડના ડૉક્ટરની સારવાર લીધી હતી. આ સારવારથી તબિયતમાં સુધારો નહીં થતાં તેમણે જામનગરના ખાનગી તબીબની સારવાર લીધી હતી. જયાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જી.જી.હોસ્પિટલમાં 5 દિવસ સારવાર લીધા બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેમને ડિસ્ચાર્જ કરાવમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોઇને પણ કોરોનાના લક્ષણો દેખાઇ આવે તો ગભરાયા વિના તેની તાત્કાલિક સારવાર સરકારી કોવિડ હોસ્પિટલમાં કરાવવી જોઇએ. મેં પણ એમ જ કર્યું હતું. મારી સારવારના દરમિયાન દરરોજ ડૉક્ટરો મને 2થી 3 વખત તપાસવા આવતા હતા.
શ્વાસના દર્દીઓને કૃત્રિમ શ્વાસ આપવાની પણ સુવિધા
વધુમાં તેમણે જણાવ્યું કે, નર્સ દ્વારા દવાઓ, ઇંજેકશન અપાતા હતા. પરિવારના સભ્યની જેમ જ ખાવા-પીવાનું 3 સમય આપવામાં આવતું હતું. આ હોસ્પિટલ બહુ મોટી અને સરસ હતી. નત-નવા આધુનિક સાધનો હતા. મારા જેવા શ્વાસના દર્દીઓને કૃત્રિમ શ્વાસ આપવાની પણ સુવિધા હતી.