- ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં ભીડ એકઠી થવા મામલે ફરિયાદ
- રિસેપ્શનમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો દાખલ
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના ખંભાળિયાના મોવાણ ગામે ભીખુભાઈ ગોજીયા ઉદ્યોગપતિના પુત્રના લગ્નનો સમારોહ યોજાયો હતો. જેમાં વરરાજાની જાન હેલિકોપ્ટરથી ગઈ હતી. તે સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા બહોળી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યારે 1 ડિસેમ્બરના રોજ સાંજના સમયે રિસેપ્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીતાબેન રબારી સહિત અન્ય ગાયકો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જ્યારે આ કાર્યક્રમમાં ખંભાળિયા તાલુકાના અને આસપાસના અનેક લોકો ઉપસ્થિત થયા હતા. તેમજ જામનગર અને દ્વારકા જિલ્લાના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્ટેજ પર ગીતાબેન રબારી અને પૂનમબેન પોતે માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યારે લગ્નના રિસેપ્શનના સમારોહમાં પણ સેંકડો લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા.
ખંભાળિયા પોલીસે ગુન્હો દાખલ કર્યો
જેમાં સાંસદ સભ્ય અને અન્ય મહાનુભાવો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે ખંભાળિયા પોલીસ દ્વારા ગુન્હો દાખલ થયો છે. તેમજ કોરોનાની ગાઇડલાઇન્સના ભંગ બદલ રિસેપ્શનમાં લાખો લોકો એકત્રિત કર્યા અને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી બેદરકારી રાખવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેની હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.