- જામનગરમાં કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા મેઘરાજાને રીઝવવા નવતર પ્રયોગ
- છેલ્લા 16 વર્ષથી મહિલા મંડળ અને યુવા મિત્ર દ્વારા બનાવવામાં આવે છે લાડુ
- જિલ્લાના ૪૦ જેટલા ગામડાઓમાં શ્વાનો અને ગાયો માટે પહોંચાડવામાં આવશે લાડુ
જામનગર: જિલ્લામાં સારા વરસાદની શુભકામના માટે આજરોજ શનિવારે કૃષ્ણનગર મહિલા મંડળ ( Mahila Mandal Jamnagar ) દ્વારા ગાયો તથા શ્વાનો માટે 900 કિલો લાડુ બનાવવામાં આવ્યા હતાં. જામનગરમાં ચોમાસાની સિઝન આવી છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લામાં સારો વરસાદ ( Rain Jamnagar ) પડે તે મહિલા મંડળે મેઘરાજાને રીઝવવા નવતર પ્રયોગ કર્યો છે.
આ પણ વાંચો: ખંભાતના યુવાઓની સરાહનીય કામગીરી: માસૂમ બાળકના બચાવવા માટે અનેક યુવાનો મેદાનમાં આવ્યા
મેઘરાજાને રીઝવવા નવતર પ્રયોગ
જામનગરમાં કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા 240 કિલો ઘઉં, 150 કિલો તેલ તથા 150 કિલો ગોળ સહિતની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી અંદાજિત 900 કિલો જેટલા ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા હતાં. મંડળે શહેરમાં ગાય તથા શ્વાનોને આ લાડુ ખવડાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. આ સેવા કાર્યમાં કૃષ્ણનગર મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.
![શ્વાનો અને ગાયો માટે બનાવાયા 900 કિલો લાડુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12269839_jam.jpg)
100 જેટલી મહિલાઓએ 4 કલાક મહેનત કરી બનાવ્યા લાડુ
જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા ૧૬ વર્ષથી મેઘરાજાને રિઝવવા માટે સ્થાનિકો દ્વારા લાડુ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ સ્થાનિકો દ્વારા લાડુ બનાવ્યા હતા અને વરસાદ પણ સારો પડ્યો હતો, ત્યારે આ વર્ષે પણ સારો વરસાદ પડે તેવી આશાએ ગાયો અને શ્વાનો માટે સ્થાનિકોએ 900 કિલો લાડુ બનાવ્યા છે. જે જિલ્લાના 40 જેટલા ગામડાઓમાં પહોંચાડવામાં આવશે.
![શ્વાનો અને ગાયો માટે બનાવાયા 900 કિલો લાડુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-rain-ladu-7202728-mansukh_26062021130233_2606f_1624692753_544.jpg)
આ પણ વાંચો: રાજકોટ પોલીસની રાત્રી કર્ફ્યુ દરમિયાન સરાહનીય કામગીરી
સ્થાનિકોએ સ્વખર્ચે બનાવે છે લાડુ
ભારતીય સંસ્કૃતિમાં ગાય અને શ્વાનને લાડુ ખવડાવા તેમજ અન્ય વ્યજંન ખવડાવવા શુભ માનવામાં આવે છે. આમ પણ મોટી સંખ્યામાં લોકો ગાયને લીલું ઘાસ ખવડાવવું હોય છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાયો અને શ્વાનોને લાડુ ખવડાવવામાં આવે તો વરસાદ પણ સારો પડતો હોવાની માન્યતા છે. આથી, કૃષ્ણનગરના રહેવાસીઓ આ માન્યતાને અનુસરી છેલ્લા ૧૬ વર્ષથી ગાય અને શ્વાન માટે લાડુ બનાવી રહ્યા છે.