- જામનગરમાં કોરોના બેકાબૂ
- જામનગરમાં દિવસે-દિવસે કોરોનાનો વધતો વ્યાપ
- રોજ 4,000 ટેસ્ટીંગ થતા કેસ વધવાની શક્યતા
જામનગર : કોરોના કેસમાં ઘટાડો કે મૃત્યુ દર ઓછો થવાના કોઈ અણસાર જોવા મળતા નથી. કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળતા તંત્ર પણ વધુ જાગૃત થયું છે. ચોવીસ કલાકમાં પાંચ દર્દીના મૃત્યુ થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે વધુ 60 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા છે.
ગઈકાલે ગુરુવારે 45 દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતા
ગુરુવારે કોવિડ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત થયા હતા. જોકે, રિકવરી રેટ સારો જળવાયો છે. ગુરુવારે 45 દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ દરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ચિંતાજનક રીતે વધતા જતા કોરોના સંક્રમણથી તંત્ર પણ વધુ સચેત બન્યું છે.
આ પણ વાંચો: જામનગરમાં કોરોના વધ્યોઃ કલેક્ટરે વ્યક્ત કરી ચિંતા અને આપી ચેતવણી
જિલ્લામાં 60 પોઝિટિવ કેસ નોંધાયા
ગુરુવારે જામનગર જિલ્લામાં 34 અને ગ્રામ્ય વિસ્તારમાં 26 મળી જિલ્લામાં 60 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરી વિસ્તારના 23 અને ગ્રામ્ય વિસ્તારના 22 મળીને જિલ્લાના કુલ 45 દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 5 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે, સત્તાવાર કોઈ દર્દીનું મૃત્યુ જાહેર થયું નથી અને છેલ્લા ચાર-પાંચ માસથી મૃત્યુ આંક શૂન્ય જાહેર થઈ રહ્યો છે.
સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવતો નથી
જામનગર શહેરી વિસ્તારમાં 2,47,907 અને ગ્રામ્ય વિસ્તારના 2,00,500 મળીને જિલ્લામાં કુલ 4,48,407 લોકોનું કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. હવે ટેસ્ટીંગ પ્રક્રિયા વધારવાની સરકારની સૂચના મુજબ જામનગરમાં દરરોજ 4,000 જેટલા કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટીંગ વધશે તો નવા કેસ પણ બહાર આવશે. આથી નવા સંક્રમિત કેસની સંખ્યા વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: જામનગરમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં જિલ્લા કલેક્ટરે વેક્સિન મૂકાવી