જામનગરઃ કોવિડ-19 નોવેલ કોરોના વાઇરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા 13 એપ્રિલથી નોન NFSA APL-૧ કાર્ડધારકોને વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા કે ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેના બીજા તબક્કા રૂપે મે મહિના માટે પણ શુક્રવારથી જામનગર જિલ્લાના કુલ 1,97,674 APL-1 નોન NFSA કાર્ડધારકોને આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 1,97,674 APL-1 નોન NFSA કાર્ડધારકો પૈકી શહેરમાં 84,699 કાર્ડધારકો છે અને ગ્રામ્ય વિસ્તારમાં 1,12,975 કાર્ડધારકો છે.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સવારે 8થી રાત્રિના 8 સુધી વિતરણ કરવામાં આવશે. જેનું 11 મે સુધીમાં વિતરણ પૂર્ણ થશે. જ્યારે જામનગર શહેરમાં શુક્રવારથી વિતરણ શરૂ થશે, પરંતુ કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેરી વિસ્તારમાં બપોરે 2થી રાત્રીના 10 કલાક સુધી અન્ન વિતરણ કરવામાં આવશે. જે 11 તારીખ સુધીમાં પૂર્ણ થશે. જેથી 11 તારીખ સુધીમાં કાર્ડધારકોએ પોતાનો જથ્થો મેળવી લેવાનો રહેશે.
જામનગર જિલ્લાના નોન NFSA APL-1 કાર્ડધારકોને જામનગરના પુરવઠા અધિકારી કેયુર જેઠવાએ અપીલ કરતાં કહ્યું હતું કે, લોકો દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં વહીવટી તંત્રને સહકાર આપે અને સલામત અંતર જાળવીને દુકાનો પર ખોટી ભીડ ન કરીને પોતાનો જથ્થો મેળવે.
પુરવઠા અધિકારી જેઠવાએ જામનગરના APL-1 કાર્ડધારકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, જે નોન NFSA APL-1 કાર્ડધારકો પોતાની પાસે અનાજનો પર્યાપ્ત જથ્થો ઘરે ધરાવતા હોય તેમણે અગાઉ જામનગર શહેર પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમજીને અન્ય જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કર્યો હતો. સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જે લોકો અગાઉની જેમ પોતાનો જથ્થો જતો કરવા આગળ આવશે, તેવા સમાજ શ્રેષ્ઠીઓને તંત્ર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.