જામનગરઃ ગુરુવારે કાનાલુસ રેલવેના પુલમા કામ કરતા મજુર ગર્ભવતિ સરલાબેન અર્જુનભાઈ સામોર ઉંમર 21 વર્ષને અચાનક અધૂરા મહિને ડિલિવરીનો દુખાવો થયો હતો. ત્યાર બાદ તેમના સગા સંબંધિત લોકોએ 108ને ફોન કર્યો હતો. આ અંગે જાણ થતાં જ 108 ઘટનાસ્થળે પહોંચી હતી.
આ દરમિયાન વચ્ચે સ્ટેશન પર માલ ગાડી હોવાથી એમ્બુલેન્સ ગર્ભવતી સુધી જઈ શકે તેમ નહોતી, આશરે 1.5 km દૂર હતા. જેથી 108 સ્ટાફ પાઇલોટ ધર્મેશભાઈ અને EMT રસીલા બેનએ સ્ટ્રેચરમાં રેસ્ક્યુ કરી માલગાડી ક્રોસ કરીને મહિલાને એમ્બુલેન્સમાં લાવ્યાં હતાં. બાદમાં મહિલાને ખુબ જ દુખાવો થતાં રસ્તામા જ એમ્બુલેન્સ રોકી ડિલિવરી કરવી પડી હતી. અધૂરા મહિને થતી ડિલિવરી ઘણી મુશ્કેલ હતી, પણ 108 સ્ટાફ રસીલાબેને ઉપરી અધિકારીની મદદથી ડિલિવરી કરાવી મા અને બાળકીનો જીવ બચાવ્યો હતો.
ત્યાર બાદ મહિલાને વધુ સારવાર માટે જામનગર જી. જી. હોસ્પિટલમાં લાવ્યાં હતા અને તેમના સગા અને રેલવેના લોકોએ 108 સ્ટાફની કામગીરીને બિરદાવી તેમનો આભાર માન્યો હતો.