ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન આપનાર મહમ્મદ માંકડનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગૌરવ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના પુરસ્કાર દ્વારા જે સાહિત્યકારો શારીરિક રીતે અસક્ષમ છે તેમને મદદ મળે છે.
સન્માન કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડસમાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન આ રીતે સાહિત્યકારનું સન્માન ઘરે આવીને કરે તે ગુજરાતના સંસ્કાર છે. આ પ્રકારનો વારસો જળવાવો જોઈએ અને આ અમારી ફરજ પણ છે.
મોહમ્મદ માંકડનો જન્મ પલિયડમાં 13 ફેબ્રુઆરી 1928ના રોજ થયો હતો. 2008માં તેમને મોરારી બાપુએ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો. ઉપરાંત તેઓ કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, કન્હૈયાલાલ મુનશી એવોર્ડ, ગુજરાત સાહિત્ય, નરસિંહ મહેતા એવોર્ડ, ગુજરાત પત્રકાર સંઘમાં લાઈફટાઇમ એચિવમેન્ટ, તેમજ આવકાર ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી મેળવી ચુક્યા છે.
મોહમ્મદ માંકડ પત્રકારત્વ ક્ષેત્રમાં પણ પોતાની કલમ અજમાવી અલગ રીતે ઉભરી આવ્યા છે. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર અને ફૂલછાબમાં કટાર લેખક તરીકે કાર્ય કરી ચૂક્યા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોહમ્મદ માકડનું ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન છે. 92 વર્ષની ઉંમરે તેમને હેરાન ના કરાય તે માટે સરકારે ઘરે આવીને સન્માન કરવાનું નકકી કર્યુ. 12 કરોડના ખર્ચે રાજ્ય સરકાર અકાદમી ભવનનુ નિર્માણ કરશે. જેનાથી ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે તેમાટે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પણ ગુજરાતી ભાષાને ફરજિયાત કરી છે.