ગાંધીનગર: દેશમાં શાંતિ સલામતી અને સુરક્ષા માટે પોલોસ હંમેશા સતત કાર્યરત હોય છે, પરંતુ જ્યારે સરહદની વાત આવે તો અનેક કારણોસર ગુનાનો ભેદ ઉકેલી શકતો નથી. અથવા તો ગુનાનો ભેદ ઉકેલવા માટે મોડું થઈ જાય છે. જેથી શનિવારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરાનગર હવેલી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યના પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજય કક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા હતા.
શનિવારે 5 રાજ્યોના વેસ્ટર્ન કો-ઓર્ડિનેશન કમિટીની DGP કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા અને દાદરાનગર હવેલીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ સેન્ટ્રલ IBના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રહ્યા હતા.
રાજ્યની સરહદો પર થતા ગુનાઓ અને તેના મેડિટેશન માટે એક રાજ્ય અને બીજા રાજ્યની પરવાનગી લેવી પડે છે, ત્યારે આવા કિસ્સાઓમાં ગુનાને ડામવા અને આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા માટે તથા 2 રાજ્ય પોલીસ વચ્ચે થતી તકરારો અને સમસ્યાઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં દેશ-વિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન પ્લાન બાબતની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ ઉચ્ચકક્ષાની બેઠકમાં ગુજરાતમાંથી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના DGP આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.