- ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન ચૂંટણીની કેબિનેટ બેઠકમાં ચર્ચા
- સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર જીતવા કર્યું આયોજન
- સીએમ રૂપાણીએ તમામ પ્રધાનોને વોર્ડની જવાબદારી સોંપી
- બૂથ મેનેજમેન્ટથી મતદાન મથક સુધીનું કરવામાં આવશે આયોજન
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાવાની હોવાનું એલાન કરવામાં આવ્યું છે. તો આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને વોર્ડ પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. આમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જીતવા માટે સીએમ રૂપાણીએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે.
બૂથ મેનેજમેન્ટથી મતદાન સુધીનું આયોજન
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં બેઠક પૂર્ણ થયા બાદ તમામ પ્રધાનો સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાબતે સામાન્ય ચર્ચા કરી હતી, જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ પ્રધાનોને વૉર્ડ પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારીની જો વાત કરવામાં આવે તો બૂથ મેનેજમેન્ટથી લઈને વધુમાં વધુ મતદારો મતદાન મથક સુધી પહોંચે તે બાબતે આયોજન કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
3 ઑક્ટોબરના રોજ મતદાન, 5 ઑક્ટોબરના રોજ મતગણતરી
હજી ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 5 ઑક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે 3 ઑક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ રાજ્ય સરકારે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ ભાજપ સરકાર જ આવે તે માટે અત્યારથી જ આયોજન કરી લીધું છે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો ચૂંટણીના અઠવાડિયા પહેલા તમામ પ્રધાનો ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ધામા નાંખીને કૉર્પોરેશનની ચૂંટણી જીતવા માટે એડીચોટીના પ્રયાસો કરતા જોવા મળશે.
કૉંગ્રેસ કોરોનાની બીજી લહેર અને સામાજિક મુદ્દાઓ સાથે પ્રચાર-પ્રસાર કરશે
7 સપ્ટેમ્બરના રોજ etv ભારત સાથે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન શહેરીજનોને પડેલી મુશ્કેલીઓ અને અન્ય સામાજીક મુદ્દાઓ સાથે પ્રચાર કરીને ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ કોંગ્રેસે કોરોના કાળ દરમિયાન કરેલા કાર્યો પણ પ્રજાજનો સમક્ષ મૂકવામાં આવશે.
વધુ વાંચો: શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય