વિધાનસભામાં CM રૂપાણી શાયરના અંદાજમાં, ગુજરાતમાં VR, CR અને NRની ત્રિપુટી - વિજય રૂપાણી
વિધાનસભા ગૃહમાં આજે શનિવારે રાજ્યપાલના સંબોધન પર છેલ્લા દિવસે મુખ્યપ્રધાન અને ગૃહના નેતા વિજય રૂપાણીએ આભાર પ્રસ્તાવ કર્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સરકારના વિકાસના કામો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય અને કોંગ્રેસને શાંત પાણીથી ધોઈ નાખી હતી. આ સાથે જ CM રૂપાણી હવે ગુજરાતમાં ત્રિપુટી એટલે કે VR, CR અને NRનું નવું સૂત્ર લાવ્યા છે.
- CM વિજય રૂપાણીનો શાયરાના અંદાજ
- વિધાનસભા ગૃહમાં વિપક્ષને શાંત પાણીએ ધોયું
- પરેશ ધાનાણી અને અમિત ચાવડાના રાજીનામાંથી મને દુઃખ પણ તેઓ મારા મિત્ર
- સરકારે જે મુસીબત સમયે પેકેજ જાહેર કર્યું તેના મળ્યા આશીર્વાદ
- રાજ્યમાં 90 ટકા ભાજપનો કબજો
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે શનિવારે રાજ્યપાલના સંબોધન પર છેલ્લા દિવસે મુખ્યપ્રધાન અને ગૃહના નેતા વિજય રૂપાણીએ આભાર પ્રસ્તાવ કર્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સરકારના વિકાસના કામો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય અને કોંગ્રેસને શાંત પાણીથી ધોઈ નાખી હતી. આ સાથે જ CM રૂપાણી હવે ગુજરાતમાં ત્રિપુટી એટલે કે VR, CR અને NRનું નવું સૂત્ર લાવ્યા છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભાગૃહમાં અમૂક શાયરીઓ અને ગીતોનો પણ ઉલ્લેખ કરીને આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો હિસ્સો 90 ટકા: વિજય રૂપાણી
વિધાનસભા ગૃહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલના સંબોધન પર છેલ્લા દિવસે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભારે વિજય થયો છે, ત્યારે હવે ગુજરાતમાં ભાજપનો 90 ટકા જેટલો હિસ્સો છે. 182 વિધાનસભા વિસ્તારમાંથી 165 જેટલા વિધાનસભા વિસ્તારમાં ભાજપને મત મળ્યા છે, જ્યારે આ મત મળવા પાછળના કારણમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિકટ પરિસ્થિતિમાં ખેડૂતો અને અન્ય લોકો માટે જે આર્થિક સહાયની જાહેરાત કરી હતી તે બાબતે લોકોએ સરકારને અને ભાજપને આશીર્વાદ આપ્યા છે અને તેથી જ ગુજરાતમાં 90 ટકા હિસ્સો ભાજપનો બન્યો છે.
પરેશ ધાનાણી અને અમિત ચાવડા મારા મિત્રો: રૂપાણી
સ્થાનિક સ્વરાજમાં જે રીતે કોંગ્રેસનો પરાજય થયો છે, તેને ધ્યાનમાં લઈને વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને કોંગ્રેસના ગુજરાત પ્રમુખ તરીકે અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે અને દિલ્હી કોંગ્રેસ દ્વારા તેમના રાજીનામાંનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, પરેશ ધાનાણી અને અમિત ચાવડા અમારા સારા મિત્રો છે. તેમની જોડે કોઈ જગ્યાએ દુશ્મની નથી. તેમણે રાજીનામું આપ્યું છે તેનું અમને દુઃખ થઈ રહ્યું છે, પરંતુ તેમણે પણ હાથની જવાબદારી સ્વીકારી છે અને તેમની સત્તા પરથી તેમણે રાજીનામું આપ્યું છે. હવે હાર પચાવી તેના કરતાં જીતને પચાવી ખૂબ જ અઘરું કામ છે.
કોરોનામાં કરેલી સેવાઓના ફળ અમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળ્યાં
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પ્રવચન ઉપર નિવેદન આપ્યું હતું કે કોરોનાકાળમાં અમે રાજ્યની જાહેર જનતાની સેવા કરી છે. લોકોને મફતમાં કલ્યાણ અને દવાખાનમાં મફત સારવાર પણ આપી છે, જ્યારે પાંજરાપોળના અબોલ પશુઓને ઘાસચારો પણ આપ્યો છે. આદિવાસી સમાજને પણ કોરોનાકાળમાં સારી રીતે થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને 15 લાખ જેટલા શ્રમિકોને ઘરે જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આ તમામ કામગીરીનો આશીર્વાદ અમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળ્યો છે.
પહેલે ઇસ્તમાલ કરો ફિર વિશ્વાસ કરો
ટીવી ચેનલમાં કપડાં ધોવાના પાવડરની એક જાહેરાત આવે છે. જેમાં પહેલા ઇસ્તમાલ કરો ફિર વિશ્વાસ કરોનું સૂત્ર બોલાય છે. આ જ સૂત્રનો ઉપયોગ આજે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કર્યો હતો અને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યની જનતાએ પણ પહેલે ઇસ્તમાલ કરો ફિર વિશ્વાસ કરોની નીતિ અપનાવી છે. પહેલા કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોકો આપ્યો હતો. જાહેર જનતાએ કોંગ્રેસનો ઇસ્તમાલ કર્યો પછી તેમને સાફ કરી દીધા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વર્ષ 2015માં કોંગ્રેસની જીત થઇ હતી અને હવે વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ છે.
ચેક પોસ્ટ બંધ કરીને લુખ્ખાઓના અડ્ડા બંધ કર્યા
સરકારની કામગીરી અને ત્વરિત નિર્ણયને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભામાં ઉદાહરણ આપ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષોથી શરૂ થયેલી આરટીઓ ચેક પોસ્ટ તાત્કાલિક ધોરણે બંધ કરીને લુખ્ખાઓના અડ્ડા બંધ છે, ત્યારે આવનારા વર્ષોમાં ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બનશે. જેમાં એક પણ રેલવે ફાટક નહીં હોય. આમ અગાઉ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં ફાટક મુક્ત તરીકેની જાહેરાત કરી છે, ત્યારે આજે શનિવારે ફરીથી વિધાનસભા ગૃહમાં ગુજરાતને ફાટક મુક્ત રાજ્ય બનાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ સરકારી શાળાઓમાં કેમ ઓરડા ઓછા છે, કોંગ્રેસના સવાલ પર વિધાનસભામાં ઘેરાઈ રાજ્ય સરકાર