- જુદા-જુદા સેકટરોમાં પણ આગામી સમયમાં કપાશે વૃક્ષો
- વિકાસના નામે ગ્રીન સિટીનો દરજ્જો ગાંધીનગર ખોઈ બેસશે
- સેક્ટર 22 બાદ સેક્ટર 21ના કપાઈ રહ્યા છે વૃક્ષો
ગાંધીનગર: ગાંધીનગર શહેર ગ્રીન સિટી કહેવાય છે, પરંતુ ધીમે-ધીમે ગ્રીન સિટીની છાપ ભૂંસાઈ રહી છે. ગાંધીનગર શહેરના આંતરિક માર્ગો મોટા અને પહોળા કરવા માટે વર્ષો પહેલા વાવવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોને ફરી જીવંત કરવાની રીત
સેક્ટર 21ના આંતરિક માર્ગો પર 76 વૃક્ષો કાપી નાખવામાં આવશે
આ પહેલા પણ સેક્ટર 22ના વૃક્ષો રસ્તો પહોળો કરવા માટે કાપી નાખવામાં આવ્યા હતા, ત્યારે ફરી હવે સેક્ટર 21નો માર્ગ મોટો કરવા માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેક્ટર 21ના આંતરિક માર્ગો પર 76 વૃક્ષો કાપી નાખવામાં આવશે.
કેટલાક વૃક્ષો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે
ગાંધીનગરના સેક્ટર 21ના જૈન મંદિર અને પંચદેવ વિસ્તારના માર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે. જેથી છેલ્લા માર્ક કરવામાં આવેલા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. 76 વૃક્ષો રોડ બનાવવા માટે નડતા હોવાથી તેને કાપવા માટે વનવિભાગને કહેવાયું છે. આ વૃક્ષોનું માર્કિંગ કર્યા પછી 76માંથી શક્ય હોય એટલા વૃક્ષો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ એ પહેલા જ વૃક્ષો કપાતા હોવાથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.
શા માટે રોડ પહોળો કરવાના બહાને વૃક્ષો કાપવામાં આવે છે
કેટલાક લોકોનું કહેવું છે કે, આ રોડ પર એટલી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર કે મોટા વાહનો પસાર થતા નથી. ટ્રાફિક પણ થતો નથી તો શા માટે રોડ પહોળો કરવાના બહાને વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે.
આ પહેલા સેક્ટર 22ના 48 વૃક્ષો કાપવામાં આવ્યા
સેક્ટર 22માં પણ રોડ પહોળો કરવા માટે 48 વૃક્ષો કાપવામાં આવ્યા છે. જ્યાં 136 જેટલા વૃક્ષો હતા, જેનું માર્કિંગ કરાયા બાદ કેટલાક અન્ય વૃક્ષોને બચાવી દેવામાં આવ્યા હતા, તો 48 વૃક્ષો કાપવામાં આવ્યા છે. સ્માર્ટ સિટીના અંદરના ભાગમાં વિકાસના નામે રસ્તો પહોળો કરવા માટે અનેક વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જેની સામે એટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાને લઈને કોઈ આદેશ નથી.
આ પણ વાંચો- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા NHSRLએ 7,000 જેટલા વૃક્ષો વાવ્યા
જુદા-જુદા સેકટરોમાં નાના રસ્તાઓને પહોળા કરવામાં આવશે
ગાંધીનગર ગ્રીન સિટીનો દરજ્જો પણ વિકાસના નામે ગુમાવી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અનેક વૃક્ષો જે ગાંધીનગરની ઓળખ છે તે પણ આગામી સમયમાં નહીં રહે. જો કે, જુદા-જુદા સેકટરોમાં નાના રસ્તાઓને પહોળા કરવામાં આવશે. જેથી એ પણ નિશ્ચિત છે કે, શહેરના ઘણા બધા વૃક્ષો કાપવામાં આવશે.