- આજે 2 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મ દિવસ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના જીવનના 65 વર્ષ પૂર્ણ કર્યા
- મુખ્યપ્રધાન રૂપાણીનો બર્માના રંગૂનમાં થયો હતો જન્મ
ગાંધીનગર : Happy Birthday CM Vijay Rupani : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( Chief Minister Vijay Rupani )નો આજે 2 ઓગસ્ટના દિવસે જન્મદિવસ છે. વિજય રૂપાણી મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના દિવસે જન્મ થયો હતો. માતા માયાબેન રૂપાણી અને પિતા રમણીકલાલ રૂપાણીના સાતમાં સંતાન તરીકે વિજય રૂપાણીનો જન્મ થયો હતો, જ્યારે વર્ષ 1960માં રાજકીય કારણોસર તેઓ બર્માથી રાજકોટમાં આવીને વસવાટ શરૂ કર્યો હતો. વિજય રૂપાણીએ અભ્યાસ દરમિયાન જ રાજકીય સફર શરૂ કરી હતી.તેઓ આજે વજુબાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જે બાદ તેમણે પત્ની અંજલી રૂપાણી સાથે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા.
મુખ્યપ્રધાન રૂપાણીએ સ્ટોક બ્રોકર તરીકે કર્યું હતું કામ
રાજકોટમાં રસિકલાલ એન્ડ સન્સ નામના ફોર્મમાં તેઓએ સ્ટોક બ્રોકર તરીકે પણ કાર્ય કરેલુ છે, જ્યારે આ ફોર્મ તેમના પિતા રસિકલાલ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું, આ બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં શામેલ થયા હતા. આ સાથે જ વર્ષ 1971માં તેઓએ જનસંઘમાં પણ પ્રવેશ મેળવ્યો હતો.
1976માં જેલમાં પણ રહ્યા છે મુખ્યપ્રધાન રૂપાણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વર્ષ 1976માં લાગવામાં આવેલી ઇમર્જન્સીમાં ભુજ અને ભાવનગરની જેલમાં પણ તેઓએ સમય પસાર કર્યો હતો, ત્યારે તેઓ 1978થી 1981 સુધી RSSના પ્રચારક તરીકે પણ ફરજ અદા કરી છે. 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ તેઓ ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે પણ ગયા હતા. રાજકોટ કોર્પોરેશનમાં 1988માં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા અને 1995માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓને વર્ષ 1996થી 97 એક વર્ષ સુધી તેઓ રાજકોટના મેયર પદ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.
વર્ષ 2006માં ગુજરાત ટુરીઝમના ચેરમેન નિયુક્ત થયા
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકેની ફરજ અદા કરી રહ્યા હતા, ત્યારે વર્ષ 2006માં વિજય રૂપાણીને ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓને વર્ષ 2006 થી 2012 સુધી રાજ્ય સભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. ત્યારબાદ તેવો વર્ષ 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે રહ્યા હતા.
વડાપ્રધાન મોદીના અંગત મનાઈ રહ્યા છે વિજય રૂપાણી
તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મણીનગર બેઠક બાદ વિધાનસભાની બેઠકની ચૂંટણીઓમાં તેઓએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે તે સમયે નરેન્દ્ર મોદીને ખૂબ જ અંગત રીતે મદદ કરીને તેમને વિધાનસભામાં જીત મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, ત્યારથી વડાપ્રધાન મોદીના અંગત વિજય રૂપાણીને માનવામાં આવી રહ્યા છે અને તે કારણથી જ આનંદીબેન પટેલના મુખ્યપ્રધાન પદના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની વરણી કરવામાં આવી હતી.
વજુભાઇ વાળાનું રાજીનામુ અને વિજય રૂપાણીની એન્ટ્રી
2014ના ઓગસ્ટ માસમાં વજુભાઈ વાળાએ રાજીનામું આપતા રાજકોટ પશ્ચિમની બેઠકમાંથી વિજય રૂપાણીની એન્ટ્રી થઈ હતી અને વિજય રૂપાણીને રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને બાય ઇલેક્શનમાં તેઓ મોટા માર્જિનથી જીત્યા હતા.
આનંદીબેન પટેલની સરકારમાં વાહન વ્યવહાર પ્રધાન
વર્ષ 2014ની લોકસભાના ઇલેક્શનમાં ભાજપ પક્ષનો બહુમતીથી વિજય થયો હતો અને રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં દિલ્હી જઈને દેશના વડાપ્રધાન તરીકેની શપથ લે, ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલની જાહેરાત કરવામાં આવી હતી અને આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને વાહન વ્યવહાર પ્રધાન તરીકેની ફરજ આપવામાં આવી હતી. આ સાથે જ તેઓ આર.સી. ફળદુની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયા હતા.
વર્ષ 2016થી મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી
તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં રાજીનામાની જાહેરાતના 7 દિવસ બાદ એટલે કે 7 ઓગસ્ટ 2016ના રોજ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની જાહેરાત થઈ હતી અને 7 ઓગસ્ટના રોજ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ બાદ ગણતરીનાં સમયમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં 99 બેઠકો સાથે ભાજપનો વિજય થયો હતો અને ફરીથી ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીને જ યથાવત્ રાખવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે વર્તમાન સમયમાં રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવાથી રાજ્ય સરકાર દ્વારા 9 દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 2 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં જ મહત્વના મોટા કાર્યક્રમો સાથે સરકારના 5 વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે.
બાળકો સાથે સીએમ રૂપાણીએ કર્યું ભોજન
મુખ્યપ્રધાને આજરોજ તેમના 65માં જન્મદીને વિશેષરૂપે કોરોનામાં મા-બાપની છત્રછાયા ગુમાવેલા જિલ્લાના 79 જેટલા અનાથ બનેલા બાળકો સાથે પરિવારના મોભી બનીને મોકળા મને સીધો સંવાદ કર્યો હતો. બાળકો સાથે તેઓના અભ્યાસ, પરિવારની વિગતો સાથે તેઓના ભાવી સ્વપ્ન વિશે રસપ્રદ ચર્ચા કરી તેઓને પારિવારીક લાગણીથી તરબોળ કર્યા હતા. આ તકે મૂખ્યપ્રધાન રૂપાણી અને પ્રધાન ઇશ્વરભાઇ પરમારે આ બાળકો સાથે ભોજન અને તેઓને ભેટસોગાદ આપી આનંદિત કર્યા હતા.
મુખ્યપ્રધાને બાળકો સત્યે કર્યો સીધો સવાંદ
મુખ્યપ્રધાને બાળકો સાથે વાતચીત કરી પૂછ્યું હતું કે, તમે શાળાએ જાઓ છો ? ભવિષ્યમાં શું બનવા માંગો છો, જેનો પ્રત્યુત્તર આપતા બાળકોએ દેશ સેવાર્થે ડોક્ટર, એન્જીનીયર, પોલીસ તેમજ બેન્કિંગ જેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેમ જણાવ્યું હતું. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો ખુબજ તેજસ્વી છે. તેઓ તેમના ધ્યેય પ્રત્યે સજાગ છે. તેઓની ઉજ્જવળ કારકિર્દી બને તે માટે રાજ્ય સરકાર પુરેપુરો સહકાર આપી દેશના ઉજ્જવળ ભવિષ્યમાં આ બાળકો પણ તેમનું યોગદાન પૂરું પાડશે તેવો મુખ્યપ્રધાને વિશ્વાસ દેખાડ્યો હતો.
આ પણ વાંચો : આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે