- પાટનગરમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
- સતત 24 કલાક ચાલે છે સ્મશાનમાં ભઠ્ઠીઓ
- ચોતરફ એમ્બ્યુલન્સ, શબવાહિનીના સંભળાય છે અવાજ
ગાંધીનગર: કોરોના વાઇરસ મહામારીએ બીજી લહેરમાં અત્યાર સુધીનું તેનું સૌથી વરવું સ્વરૂપ દેખાડ્યું છે. ગાંધીનગર શહેરમાં કોરોના વિસ્ફોટના કારણે તમામ મુક્તિધામોમાં દરરોજ એટલા બધા મૃતદેહો આવી રહ્યા છે જેને કારણે ભઠ્ઠીઓ સતત ચાલુ રાખવી પડે છે. 24 કલાક ચાલુ રહેવાને કારણે એક ભઠ્ઠીના દરવાજાની અંદર રહેલી એંગલ પણ પીગળી ગઈ હતી જેને કારણે અંતે ભઠ્ઠી બંધ કરવી પડી હતી. હાલમાં આ મુક્તિધામમાં કામચલાઉ રૂપે 2 ભઠ્ઠીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
24 કલાકમાં સરેરાશ 30થી 40 મૃતદેહો આવી રહ્યા છે
ગાંધીનગરમાં કોરોનાની બેકાબૂ સ્થિતિને કારણે મૃતકોની સંખ્યા વધી છે. સેક્ટર 30ના સ્મશાન ગૃહોમાં કોરોના દર્દીઓ માટે 2 CNG ભઠ્ઠી છે પરંતુ અત્યારની પરિસ્થિતિને પરિણામે દરરોજના 30થી 40 કોરોનાગ્રસ્ત મૃતદેહો મુક્તિધામમાં લાવવામાં આવી રહ્યા છે. આ કારણે 24 કલાક અવિરતપણે અગ્નિસંસ્કાર ચાલે છે. એક સ્મશાન ગૃહમાં ભઠ્ઠીની દીવાલમાં તિરાડ પડી ગઇ અને ભઠ્ઠીનું સ્લાઈડર ચોંટી જતા શટર બંધ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક બંધ કરી સમારકામ હાથ ધરાયું હતું.
લાકડાની 2 નવી ભઠ્ઠીઓ ચાલુ કરવી પડી
પીગળેલા એંગલવાળી ભઠ્ઠી જ્યાં સુધી સંપૂર્ણ રીતે ઠંડી ન પડી ત્યાં સુધી તેનું સમારકામ પણ થઈ શકાયું નહીં. 24 કલાક અગ્નિસંસ્કાર ચાલુ રહેતા હોવાથી આજુબાજુની દીવાલો પણ ધગી ગઇ છે. હાલમાં કામચલાઉ લાકડાની નવી ભઠ્ઠી ચાલુ કરાતા અન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર હાથ ધરાયા હતા.
ઉલ્લેખનીય છે કે મુક્તિધામોની બહાર અગ્નિસંસ્કાર માટે મોટી લાઈનો, સતત એમ્બ્યુલન્સ, શબવાહિનીઓના અવાજ સંભળાવા એ હવે પાટનગરની પ્રજા માટે રોજિંદા દ્રશ્યો છે. આ પ્રકારની ભયાનક પરિસ્થિતિને પગલે લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે.