- રાજ્ય સરકારે ખર્ચમાં કાપ મૂક્યો
- દિવાળીની ગ્રીટિંગ કાર્ડ નહીં છપાવે
- કોવિડ-19ને લઈને સરકારે કર્યો નિર્ણય
- જીએડી દ્વારા બહાર પાડવામાં આવ્યો પરિપત્ર
- લોકડાઉનમાં રાજ્ય સરકારની આવક થઈ હતી ઓછી
ગાંધીનગરઃ લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની તમામ આવકોમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્ય સરકારની જે કરોડો રૂપિયાની જીએસટીની આવક થતી હતી તેમાં પણ ઘટાડો થયો હતો. જેને લઇને રાજ્ય સરકારે નવા વાહનો ફર્નિચર, સ્ટેશનરી જેવા તમામ ખર્ચા પર કાપ મૂક્યો હતો. ત્યારબાદ હવે દિવાળીના ખર્ચામાં પણ રાજ્ય સરકારે કાપ મૂક્યો છે. જેને લઇને સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ખાસ પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
- GADએ તમામ વિભાગને આપ્યાં હુકમ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં ગ્રીટિંગ કાર્ડ નહીં છપાવવાના હુકમ રાજ્યના તમામ વિભાગોને કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના એક પણ વિભાગ દ્વારા દિવાળીની શુભેચ્છા આપવામાં નહીં આવે.
- મંત્રીઓ છપાવે છે ગ્રીટિંગ કાર્ડ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને ગ્રીટિંગ્સ કાર્ડ નહીં છપાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો ગ્રીટિંગ કાર્ડ છપાવે છે. જેથી આ વર્ષે હવે સામાન્ય વહીવટી વિભાગના આદેશ બાદ કોઈપણ પ્રધાનો ગ્રીટીંગ કાર્ડ નહીં છપાવી શકે. જો કે, તે પોતાના સ્વખર્ચે ગ્રીટિંગ કાર્ડ છપાવી શકશે.