ગાંધીનગર : કોરોના વાઇરસના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉનની મુદ્દત વધારીને 3 મેં સુધી લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં 20 એપ્રિલ બાદ આંશિક રીતે છૂટછાટ આપવાની મંજૂરીઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી, ત્યારે 28 એપ્રિલના રોજ રાજ્ય સરકાર દ્વારા વધુ એક છૂટછાટ જાહેર કરી છે જેમાં ખેડૂતો જો બોરવેલ બનાવવા માંગતા હોય તો બોરવેલ વાહનોને મજૂંરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા સીએમના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં બોરવેલની સુવિધા ઉભી કરવા ઈચ્છતા હોય તો બોરવેલ માટે રાજ્ય સરકારે છૂટછાટ આપી છે. બોરવેલ માટે જે વાહનો વાપરવામાં આવે છે તે વાહનના તમામ દસ્તાવેજો અને ડ્રાઇવરને લાયસન્સ ફરજિયાત રાખવુ પડશે, તેમજ આ લોકોએ કોઈપણ જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ પાસ માટે જવું પડશે નહીં ફક્ત ડ્રાઈવીંગ લાયસન્સ અને બોરવેલના કાગળિયા બતાવીને જ પોલીસ તેઓને જવા દેશે આમ રાજ્ય સરકારે આજે વધુ બોરવેલ સાથે સંકળાયેલા કામદારો અને કર્મચારીઓ તેમજ ખેડૂતોને વધુ એક રાહત આપી છે.
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ જનતાને આર્થિક સહાય પેટે 1000 રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે પૈકી અત્યાર સુધીમાં ૫૦ લાખ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરાઇ છે, તેમજ અત્યાર સુધી ૩૫ લાખ જેટલા પરિવારોને વિનામૂલ્યે રાસનની કીટ પહોંચાડવામાં આવી છે જ્યારે એન.એફ.એસ. હેઠળ જે પરિવારો બાકી છે તે તમામ પરિવારને 30 એપ્રિલ સુધીમાં આર્થિક સહાય અને રાશનની સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 15 એપ્રિલે રાજ્યની એપીએમસી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે 28 એપ્રિલ સુધીમાં રાજ્યમાં કુલ ૧૪૮ જેટલા એપીએમસી કાર્યરત થયા છે જેમાં ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદ વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્ય સરકારે કરેલા નિર્ણય પ્રમાણે ખેડૂતોને અગાઉથી જ સમય અને તારીખની જાણ કરવામાં આવશે તે સિસ્ટમ પ્રમાણે જ અત્યારે રાજયની 147 જેટલા એપીએમસી કાર્યરત છે.