ગાંધીનગર: ગુજરાતના ઉપરથી નિર્સગ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. જેથી રાજય સરકારના નવ નિયુક્ત થયેલા રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું કે, હાલ નિર્સગ વાવાઝોડું સુરતથી 670 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્ને સક્રિય છે. આ વાવાઝોડાના કારણે નવસારી જિલ્લામાં 110થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે. જેથી આની સૌથી વધુ અસર સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં જોવા મળશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સુરત, અમરેલી, ભાવનગર અને વાપીમાં વધારે વરસાદ પડ્યો છે. જેથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
હર્ષદ પટેલે આગળ જણાવ્યું કે, 3થી 4 કિલોમીટર દરિયા વિસ્તાર પાસેના ગામને સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. મંગળવારે મોડી સાંજ સુધીમાં આ તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવશે. સુરતમાંથી 1,135, નવસારી 11,908 અને વલસાડમાંથી 6,438 લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. આમ 4 જિલ્લામાંથી કુલ 20,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વલસાડ ખાતે NDRFની ટીમો ઉપલબ્ધ છે. આમ છતાં વલસાડમાં વધુ 2 ટીમ મોકલવામાં આવશે. આ સાથે જ સુરત, ભરૂચ, આણંદ, ખેડા, સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા અને ગાંધીનગર ખાતે એક-એક ટીમ તૈનાત છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રેવન્યુ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર સાથે સોમવારે વીડિયો કોન્ફરેન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી રીતે કોરોના હોસ્પિટલ અને કોરોના દર્દીને શિફ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે.