ગાંધીનગરઃ વિધાનસભાની 8 બેઠક પર યોજાનીરી પેટા ચૂંટણી માટે શુક્રવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજાએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે, બેરોજગાર સમિતિના યુવાન-યુવતીઓ ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરી હતી. જો કે, ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે બેરોજગાર સમિતિ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.
રાજ્યમાં કોરોના વાઈરસના કારણે તમામ પ્રકારની સરકારી ભરતી ઉપર પાબંધી લગાવવામાં આવી છે. તેની સાથે પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા નથી. ત્યારે સરકાર સામે શિક્ષિત બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા યુવાનોને સાથે રાખીને આંદોલન કરવામાં આવ્યાં હતા. સરકારનું બેસણું યોજવામાં આવ્યું હતું, તેમજ ગાંધી જયંતિના રોજ ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્રણ મહિના કરતાં વધુ સમયથી વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઉપરાંત ગત 27 જુલાઇના રોજ ગાંધીનગરમાં આવેલા અખબાર ભવન ખાતે દિનેશ બાંભણિયા અને યુવરાજ સિંહ દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં અન્ય શિક્ષિત બેરોજગાર યુવાનો અને સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન યુવાનોને સાથે રાખીને નેતા બનાવવા નીકળેલા કન્વીનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં આવનારી પેટાચૂંટણીમાં 124 જેટલા ઉમેદવારો સરકાર સામે ઉમેદવારી નોંધાવીને રોષ પ્રગટ કરશે. ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પરંતુ બેરોજગાર સમિતિના નેતાઓ જોવા સુધ્ધાં ફરકયા નથી. એક પણ જગ્યાએથી શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્યો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું નથી. માત્ર મીડિયામાં ચમકવા માટે ફોર્મ લઇ જવામાં આવ્યા હોય તેવું જણાયુ હતું, પરંતુ તેને ભરીને જમા કરાવવામાં આવ્યું નથી. જેને લઇને હવે અનેક પ્રકારની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજા સહિતના બેરોજગાર સમિતિના સભ્યો વેચાઈ ગયા હોય સરકાર સાથે બંધબારણે બેઠકો કરી લીધી હોય તેવી ચર્ચાઓ હવે થઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ શિક્ષિત બેરોજગાર સમિતિ આગળ કેટલો સમય સુધી ચાલે છે. નેતાઓ યુવાનોને નિમણૂક પત્રો અપાવી શકે છે કે, માત્ર ઉપયોગ જ થશે તે જોવાનું રહ્યું.