- 22 જાન્યુઆરીએ કોર્પોરેશનમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે
- મ્યુ.કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે ડ્રાફ્ટ બજેટ
- બજેટ 300થી 400 કરોડ વચ્ચે હોવાનો અંદાજ
- સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે ડ્રાફ્ટ બજેટ
ગાંધીનગર : શુક્રવાર 22 જાન્યુઆરીના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ મુકવામાં આવશે. વર્ષ 2020-21ની દિવાળી અને નવા વર્ષ 2021-22ના ડ્રાફ્ટ બજેટ બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધીમાં સેક્ટર 1થી 30 અને આસપાસના 7 ગામોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવતું હતું. પરંતુ હવે નવા 18 જેટલા ગાંધીનગર શહેરની આસપાસના ગામોને કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે બાબતે પણ હવે બજેટમાં રાખવામાં આવશે, જેથી આ વર્ષે બજેટના કદમાં પણ વધારો થશે.
નવા ગામો પર વધુ પ્રાધાન્ય આપવામાં આવશે
થોડા સમય પહેલાં જ ગાંધીનગર શહેરની આસપાસ કુલ 18 જેટલા ગામોને કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે આ તમામ ગામોમાં માળખાકીય સુવિધામાં વધારો થાય તે બાબતનું પણ આ વર્ષના બજેટમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. જેથી આ વર્ષે સૌથી વધુ બજેટ નવાગામ તરફનો હોય તેવું પણ લાગી રહ્યું છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં પણ અનેક રોડ-રસ્તાઓની જૂની સમસ્યાઓ છે તેનું નિવારણ પણ આ નવા બજેટમાં આવી શકે તેમ છે.
એપ્રિલ મે મહિનામાં આવશે કોર્પોરેશનની ચૂંટણી
અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એપ્રિલ અને મે મહિનાની અંદર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવશે. ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં લઈને પણ આ વર્ષે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા નવા કોઈપણ કર નાંખવામાં નહીં આવે તેવી પણ માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે.