- 44 NDRFની અને 10 SDRFની ટીમ તહેનાત
- 1500 કોરોના હોસ્પિટલોને જનરેટર શરૂ રાખવાની સૂચના
- ફાયર બ્રિગેડ, પોલીસ, ફોરેસ્ટ, આર્મી, એરફોર્સ, નેવીની મદદ લેવાશે
- ઓક્સિજનનો સપ્લાય સતત ચાલું રખાશે
ગાંધીનગર : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતે વાવાઝોડા અંગે વીડિયો કોન્ફરન્સ મીટિંગ બાદ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર તૌકતે વાવાઝોડાને લઈને સંપર્કમાં છે. ગુજરાત સરકારે પણ એક પણ વ્યક્તિનું મૃત્યુ વાવાઝોડામાં ન થાય તે પ્રકારની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. જેમાં 44 NDRF અને 10 SDRFની ટીમોને સજ્જ કરી દીધી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોને ખસેડવામાં આવી રહ્યા છે. તમામ અધિકારીઓ અને ટીમો કામે લાગી છે.
આ પણ વાંચો: સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી
જૂનાગઢમાં સૌથી વધુ 3 મીટર સુધીના મોજા આવશે, પ્રભાવિત વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે
ગૃહ અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પકંજ કુમારે જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની પવનનની ગતિ 150 km પ્રતિ કલાકની રહેશે, દરિયામાં મોજા પણ આવશે. જેમાં જૂનાગઢમાં સૌથી વધુ 3 મીટર સુધીના મોજા આવશે. ભારે વરસાદ થશે, પોરબંદર, સોમનાથ, વેરાવળ, ભાવનગર, અમરેલી વગેરે સૌથી વધુ પ્રભાવી થશે. જ્યારે દ્વારકા, રાજકોટ, મોરબી, બોટાદ તેમજ વલસાડ સહિતનો દક્ષિણનો એરિયા પણ પ્રભાવિત થશે.
આ પણ વાંચો: LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર
પ્રભાવિત વિસ્તારોમાં 100 જેટલી એમ્બ્યુલન્સને પણ સજ્જ કરી દેવામાં આવશે
ગૃહ પ્રધાન અમિત શાહે દરિયાઈ કાંઠાના કલેક્ટર, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. સમય છે અને તૈયારી પણ છે. જેથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નહિ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 1.5 લાખ લોકોને દરિયાઈ કિનારાથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે રવિવાર રાત સુધીમાં કાચા મકાનમાં રહેનારા લોકોને ખસેડાશે. ફાયર બ્રિગેડ, પોલીસ, આર્મી, એરફોર્સ, નેવીની પણ મદદ લેવાશે. આ ઉપરાંત 100 જેટલી એમ્બ્યુલન્સને પણ સજ્જ કરી દેવામાં આવશે. જેથી ઇમરજન્સીમાં તેનો ઉપયોગ જરૂર પડતાં થઈ શકે.
8 કંપનીઓ ઑક્સિજન પ્રોડક્શન કરે છે, આ સપ્યાલ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરાઇ છે
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોરોનાની 1500 હોસ્પિટલને સૂચના આપી છે. તેઓ એક્સ્ટ્રા જનરેટર ચાલુ રાખે કેમ કે, વીજ પુરવઠો આ વાવાઝોડામાં ઠપ થઈ શકે છે. જેથી પેશન્ટ એડમિટ હોય તેમને તકલીફ ના પડે, તેમને પૂરતી સારવાર મળી રહે. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાયને મહત્વ આપ્યું છે. 8 કંપનીઓ ઑક્સિજન પ્રોડક્શન કરે છે. આ સપ્યાલ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરાઇ. વીજળીના અભાવે અને ઑક્સિજનના અભાવે કોરોના દર્દીને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રખાશે.
મેડિકલ સ્ટાફ રેસ્ક્યૂ કામમાં ગોઠવાશે, વેક્સિનની કામગીરી આ બે દિવસ બંધ કરાશે
વેક્સિનની કામગીરી 17 અને 18 મે એમ બે દિવસ બંધ કરાશે. મેડિકલ સ્ટાફ રેસક્યૂ કામમાં ગોઠવાશે. જેમાં 100 એમ્બ્યુલન્સ ઉપરાંત અન્ય સ્ટાફને ત્યાં સ્ટેન્ડ બાય રખાશે માટે વેક્સિન કામગીરી ગુજરાતમાં બંધ રહેશે. દરિયાઈ પટ્ટીના લોકો ઊંચાણવાળા વિસ્તારમાં આવી જાય તેવી વ્યવસ્થા કરાશે. વાવાઝોડુ જોવા લોકો નીકળતા હોય છે, માટે તેઓને અપીલ છે કે તેઓ ઘરે રહે અને બહાર ન નીકળે. વૃક્ષો જો પડે તો રસ્તાઓ ખુલ્લા કરવા ફોરેસ્ટ ટીમને તૈયાર કરાઇ છે.