- 4 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે કોર્પોરેશનનું બજેટ
- સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે બજેટ
- બજેટને આપવામાં આવશે અંતિમ નિર્ણય
ગાંધીનગર : GMC એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2021- 22 ડ્રાફ્ટ બજેટ 22 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર રતન ચારણ ગઢવીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યું હતું, ગાંધીનગરમાં મહાનગરપાલિકાનું આ 10મુ બજેટ પસાર કરવામાં આવશે. જ્યારે આગામી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં કોઈ નવા કરવેરા સૂચવવામાં આવ્યા નથી.
નવા ગામોના વિકાસ પર વધુ ધ્યાન
સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલા બજેટમાં ગાંધીનગર કોર્પોરેશનનો વિસ્તરણ કરીને 18 ગામો અને એક નગરપાલિકા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મિલકતોમાં વધારાની સાથે મિલકત વેરાની નવા વર્ષની આવક લક્ષ્યાંક 38.5 કરોડનો અંદાજ મૂક્યો છે. આ સાથે વ્યવસાય વેરાની આવકમાં પણ વધારો કરી 9.50 કરોડની આવક થવાનો અંદાજ છે. જ્યારે વિહિકલ ટેક્સ પેટે 5.50 કરોડ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થકી 2.75 કરોડની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
મહેકમ ખર્ચમાં વધારો મૂકાયો
સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલા ડ્રાફટ બજેટમાં પણ અનેક વધારો દર્શાવવામાં આવ્યા છે. ગાંધીનગર શહેર કોર્પોરેશનના વિસ્તારોના વિસ્તારને કારણે કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી કરવામાં આવશે. મહેકમ ખર્ચ 26.29 કરોડની જગ્યાએ હવે 38.25 કરોડ જેટલો કરવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે સફાઈ અને નિભાવણી માટે 36.27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોર્પોરેશન હસ્તકની વિવિધ મિલકતો વાહનોની નિભાવણી નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સોલર લાઈટ કુલ મળીને ઈલેક્ટ્રીક અને અન્ય ખર્ચ પેટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
2021-22માં રેવન્યુ ખર્ચ 120.41 કરોડ થવાનો અંદાજ
ડ્રાફટ બજેટમાં વર્ષે 2021-22 માન્ય ખર્ચના 120.41 કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટ થકી કેપિટલ આવક 90 કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિકાસના કામો માટે કેપિટલ ખર્ચ 224 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ 224.78 કરોડના અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ બજેટમાં 33 કરોડની પુરાંત પણ રાખવામાં આવી છે.
ગત વર્ષના બજેટના મુદ્દા
ગાંધીનગર બજેટમાં કરવામાં આવેલી મહત્ત્વની જોગવાઈ
- ગાંધીનગર મહાનગરપાલિકામાં બજેટમાં મેગા મેડિકલ કેમ્પ માટે રૂપિયા 10 લાખની જોગવાઈ
- ગાંધીનગરમાં નવો ટાઉન હોલ બનાવવા માટે 100 લાખ રૂપિયાની જોગવાઈ
- રાજ્ય સરકારની સોલાર યોજના અન્વયે ખાનગી રાણા કોને વધારાનો સબસીડી ખર્ચ રૂપિયા 100 લાખની જોગવાઈ
- કોર્પોરેટર્સને વાર્ષિક 12.50 લાખની જોગવાઈ
- સાબરમતી નદી પર બાસણ ગામને રોડ સાથે જોડવા દબાવ પુલનું બાંધકામ માટે 100 લાખની જોગવાઈ
- ઇન્ડોર સ્પોર્ટ્સ કલબ અને જીમખાનું અને સ્નાનગૃહ માટે 500 લાખની જોગવાઈ
- શહેરના રોડ નંબર 6 અને 7 પર આવેલા રેલવે ક્રોસિંગની જગ્યાએ રેલવે ઓવર બ્રિજ માટે 100 લાખની જોગવાઈ
- ગાંધીનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક હાઈ માસ લગાવવા માટે રૂપિયા 15 લાખની જોગવાઈ
- ગાંધીનગરમાં ફિકસ પગારમાં જોડાયેલા કર્મચારીઓ માટે 5 વર્ષની જગ્યાએ 3 વર્ષની જોગવાઈ
- ધોળાકુવા ગામ પાસે લગ્નવાડી બનાવવા માટે 250 લાખની જોગવાઈ
- શહેરમાં બાગ બગીચા માટે રૂપિયા 1400 લાખની જોગવાઈ
- નવીન રહેણાંક મકાનોમાં વસાહતીઓ દ્વારા જળ સંચય કરી શકાય તે માટે રૂપિયા 100 લાખની જોગવાઈ
- માળખાકીય સુવિધા વધારવા માટે 400 લાખની જોગવાઈ
- સબવાહીની માટે 25 લાખની જોગવાઈ
- મુક્તિધામ, કબ્રસ્તાન તથા નાના બાળકો માટેની દફનવિધિ માટે 300 લાખની જોગવાઈ
- શહેરના આંતરિક રોડ, શોપિંગ સેન્ટર તથા રિંગ રોડની સફાઈ માટે 500 લાખની જોગવાઈ
- કોર્પોરેશન વિસ્તારમાં આવેલી પ્રિ-પ્રાઇમરી શાળા ચલાવવા માટે 3 લાખની જોગવાઈ
- 24 કલાક પાણી પૂરું પાડવા માટેની ખાસ જોગવાઈ તેમજ ગાંધીનગરની તમામ ગટરોનું નવીનીકરણ
- રંગમંચ જેવા સેક્ટર 12,13 અને 16માં આવેલા ઓપન થિયેટર
- વર્ષ 2020-21નું ગાંધીનગરનો કુલ બજેટ 291 કરોડનું મંજૂર કરવામાં આવ્યું હતું.
એપ્રિલ મેં મહિનામાં યોજાશે કોર્પોરેશનની ચૂંટણી
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ એપ્રિલ અને મે મહિનાની અંદર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવશે, ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં લઈને પણ આ વર્ષે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા નવા કોઈપણ નવા કરવેરા સૂચવવામાં આવશે નહીં, તેવી પણ સૂત્રો તરફથી માહિતી મળી છે.