ગાંધીનગરઃ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકો ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડક કાર્યવાહી માટે આ એક્ટ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો પરિસ્થિતિનો લાભ લઈને રાતોરાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદલે ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરતા હોય છે. તેઓ રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનનો બળજબરીથી, ધાક-ધમકીથી કે છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરીને પ્રત્યક્ષ કબ્જો મેળવી લેતા હોય છે. જમીન પર માલિકી હક ન હોવા છતાં ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટીતંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડતા હોય છે. જેવા લોકો માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો સાબિત થશે.
શું છે સજાની જોગવાઈ
આ કાયદાની જોગવાઈથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીન જ નહીં, પરંતુ ધાર્મિક સંસ્થા અથવા ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડૂઆતો ન હોય છત્તાપણ ભોગવટો ચાલુ રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર બનશે. જો તેઓ દોષિત ઠરે તો ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ ઉપરાંત મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. આ કાયદા હેઠળ ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ તાપસ થશે.
અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ બિલનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ બિલ એ રાજ્ય સરકારનો એકરારનામું અને કબૂલાતનામું છે. રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને ખોબલે-ખોબલે જમીનની લાણી આપી છે. જ્યારે સાથણીની જમીનનો બાબતે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. ભાવનગર અને કચ્છ જિલ્લામાં 20,000 એકર જમીન પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું નિવેદન પણ વિધાનસભા ગૃહમાં કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફક્ત જીગ્નેશ મેવાણીના વિરોધ અને કોંગ્રેસ પક્ષના સમર્થન સાથે વિધાનસભા ગૃહમાં સર્વસંમતિથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ બિલ પાસ થયું હતું.
ગુજરાત વિધાનસભાગૃહમાં આજે રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિક પટેલ ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતું ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ વિધેયક વિધાનસભા ગૃહમાં લાવશે. તે પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જમીન પચાવી પાડનાર સામે કડક કાયદા બનાવી રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતનું બિલ વિધાનસભા ગૃહમાં પસાર થશે અને કોંગ્રેસ ગમે તેટલો વિરોધ કરે પણ બિલ ગૃહમાં પસાર થશે તેમ જણાવ્યું હતું.