કહેવાય છે કે, શાળા એક મંદિર છે અને શિક્ષક તે મંદિરનો ભગવાન, પરંતુ તે જ સ્કૂલમાં ભગવાન એટલે કે, શિક્ષક જ દગાબાજ નીકળે ત્યારે માતા પિતા સાથે આખો પરિવાર સ્તબ્ધ થઈ જાય છે. પાટનગરમાં આવેલી અડાલજની માણેકબા વિનય વિહાર શિક્ષણ સંકુલમાં એખ શિક્ષકે વિનય, વિવેક અને શિક્ષાને લજવતી ઘટના બની છે.
શાળાની 15 વર્ષીય કિશોરી રિશેષના સમયે ક્લાસ રૂમમાં નાસ્તો કરતી હોય કે, પછી મેદાનમાં પોતાના મિત્રો સાથે ઉભી હોય તે દરમિયાન રામાભાઈ પટેલ નામનો શિક્ષક તેને બિભસ્ત ચેનચાળા અને કોમેન્ટ પાસ કરતો હતો.
એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી કિશોરીને રિશેષના સમયે હેરાન પરેશાન પણ કરતો હતો. સમાજમાં બદનામીના ડરે આ સમગ્ર ઘટનામાં માતા-પિતા શરૂઆતથી શાંત રહ્યા હતાં, પરંતુ વિકૃત માનસિકતા ધરાવતો શિક્ષક બેફામ બની બેઠો હતો, ત્યારે આખરે કંટાળી માતા-પિતાએ અડાલજ પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી હતી.
માતા-પિતાએ વિદ્યાલયના આચાર્ય, સંસ્થાના પ્રિન્સિપાલ અને નિયામકને અનેક વખત લેખિત રજુઆત કરી હોવા છતાં શા માટે આચાર્ય, પ્રિન્સિપાલ અને નિયામકે કોઈ કાર્યવાહી કરી ન હતી ? ત્યારે હાલ તો અડાલજ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીની કિશોરીનું નિવેદન સાથે માતા-પિતાના નિવેદનનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સમાજમાં દિવસે દિવસે વધી રહેલ અડપલા અને છેડતીના બનાવોથી સમાજે જાગૃત થવાની જરૂર છે. સાથે જ દરેક માતા-પિતાએ પોતાના બાળકને જ્યારે સ્કૂલમાં અભ્યાસ માટે મૂકે છે, ત્યારે તેને લેવા મુકવા માટે આવતો ડ્રાઈવર કોણ છે ? શાળામાં શિક્ષકો કોણ કોણ છે ? શાળા કેવી છે ? તમામ વિગતો લઈ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કારણકે હવે તમારું બાળક પણ સ્કૂલમાં સુરક્ષિત નથી.