- રાજ્ય સરકારના માસ પ્રમોશન બાદ શિક્ષણ બોર્ડનો નિર્ણય
- રાજ્યમાં ધોરણ 10નું 100 ટકા પરિણામ જાહેર થશે
- 7 લાખ જેટલા વિધાર્થીઓ માસ પ્રમોશન સાથે માર્કશીટ અપાશે
ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી અને ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારા થવાના કારણે ગત મહિને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરીને તમામ વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ વખત ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે, તેના અનુસંધાને આજે શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના અંતે માસ પ્રમોશન મેળવનાર આ વિદ્યાર્થીઓને ધોરણ 10ની માર્કશીટ આપવામાં આવશે.
આ પણ વાંચો: ધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીંઃ CM
ધોરણ 9 અને શાળાની આંતરિક કસોટીના પરિણામ પર અપાશે માર્ક્સ
ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય તરફથી મળતી માહિતી પ્રમાણે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેવા તમામ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10ની શાળાકીય પરીક્ષાના આંતરિક મૂલ્યાંકન કર્યા બાદ તેઓને પ્રમોશન આપવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવતી માર્કશીટમાં તેઓને ટકાવારી અને પર્સન્ટાઇલ પણ દર્શાવવામાં આવશે. જેથી, ધોરણ 11માં અને ડિપ્લોમામાં પ્રવેશ માટે કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે નહી.
પ્રથમ બેઠક આજે શનિવારે યોજાઈ હતી
રાજ્ય શિક્ષણ બોર્ડમાં આજે શનિવારે બોર્ડ ચેરમેન અને અધિકારીઓ તથા બોર્ડના સભ્યોની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. જેમાં, પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીઓને કઈ રીતે માર્ક્સ આપવા અને કઇ રીતનું પરિણામ જાહેર કરવું તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે, આ ચર્ચાઓ હજી પ્રાથમિક તબક્કે જ છે. આગામી દિવસોમાં હજુ પણ બોર્ડની 2થી 3 મીટીંગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે, જૂન મહિનાની આસપાસ આ મીટીંગના દોર પૂર્ણ થશે અને ત્યારબાદ જ નક્કર પરિણામ મળી શકશે.
આ પણ વાંચો: ધોરણ 10માં બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી અનેક પ્રશ્નો સર્જાશે?
રાજ્ય સરકારને બોર્ડ આપશે રિપોર્ટ
બેઠકમાં જે રીતનું વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાનું નક્કી થાય તે બાબતનો એક ખાસ અહેવાલ અને રિપોર્ટ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ, આ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. રાજ્ય સરકાર બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ફરીથી ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય કરશે. આમ, રાજ્ય સરકારને બોર્ડનો રિપોર્ટ મળ્યા બાદ જ વિદ્યાર્થીઓના પરિણામ બાબતે સત્તાવાર રીતે જાહેરાત કરાશે.