- ભીનો અને સૂકો કચરો અલગ હોય તો જ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે
- રોજના 100 ટન કચરાની જગ્યાએ 30 ટન જેટલા કચરાનો જ નિકાલ
- શહેર વસાહત મહાસંઘે કર્યો વિરોધ
- શહેર વસાહત મહાસંઘની મીટીંગમાં કમિશનર શહેરના વસાહતી બની હાજર રહ્યાં
ગાંધીનગરઃ કોર્પોરેશનની સૂચના સામે વસાહત મહાસંઘનું કહેવું છે કે, ભીનો અને સૂકો કચરો અલગ કરવા માટે તમે અમને બ્લૂ અને ગ્રીન કલરની બે ડસ્ટબીન આપો. જો ન આપી શકો તો અમને મિલકતવેરાના ટેક્સમાંથી રિબેટ આપો. પરંતુ કોર્પોરેશને આ માગનો અસ્વીકાર કર્યો છે. જેથી રોજનો 100 ટનથી વધુ કચરો ગાંધીનગરમાં ભેગો થાય છે. પરંતુ ભીનો અને સૂકો કચરો અલગ ન હોવાથી 30 ટન જેટલા કચરાનો જ નિકાલ રોજ થઈ શકે છે. આ કચરો સેક્ટર 30 ખાતે ઠાલવવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલના આવ્યા બાદ તેમણે ભીનો અને સૂકો કચરો અલગ કરી ઠાલવવાની ઝૂંબેશ ચલાવી છે. પરંતુ આ કારણે પાટનગરમાં કચરાના મુદ્દે શહેરીજનો અને તંત્ર આમનેસામને આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેમણેે કહ્યું હતું કે ભીના કચરાનો ઉપયોગ કરી તેમાંથી ખાતર બનાવી શકાય અને સૂકા કચરાને અલગ કરી તેમાંથી તેનો ઉપયોગ રિસાયક્લિંગ માટે કરી શકાય. કચરાનો ઢગલો થઈ રહ્યો છે તેને ઓછો કરી શકાય છે. તે હેતુથી આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ માટે અમે લોકોને સૂચિત કરવા માટે પેમ્પ્લેટ છપાવ્યાં અને નોટિફિકેશન જારી કરી લોકોને આ બાબતે જાણ કરી હતી. જે માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ લોકોએ વધુ એક અઠવાડિયાથી જેટલો સમય માગ્યો હતો." ત્યારબાદ કોર્પોરેશને ભીનો અને સૂકો કચરો અલગ ન હોય તો ઉઠાવવાની ના પાડી દીધી હતી. જે હેતુથી ઘણી સોસાયટીઓ અને વિસ્તારોમાં કચરો અત્યારે અલગ ન હોય તો ઉઠાવવામાં આવી રહ્યો નથી.
મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે "ભીનો અને સૂકો કચરો જ્યાં સુધી અલગ ન હોય ત્યાં સુધી ઉઠાવવામાં આવશે નહીં." જેનો શહેર વસાહત મંડળે વિરોધ કર્યો હતો અને આ માટે શહેરીજનોને અલગ-અલગ ડસ્ટબિન આપવાની માગણી કરી હતી.
સ્માર્ટફોન પાછળ લોકો ખર્ચ કરી શકે છે તો ડસ્ટબિન માટે કેમ નહીં? : કમિશનર
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ડસ્ટબિન અલગ-અલગ ગ્રીન અને બ્લુ આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કમિશનરે કહ્યું હતું કે, સ્માર્ટફોન અને વ્યસન પાછળ લોકો પૈસા ખર્ચી શકતા હોય છે તો ડસ્ટબિન કેમ નથી ખરીદી શકતાં. પરંતુ વસાહત મહાસંઘ દ્વારા આંદોલનની ચીમકી પણ આ માગને પૂરી કરવા આપવામાં આવી હતી. જેને લઇને શહેર વસાહત મહાસંઘની આજે મીટિંગ યોજાઇ હતી. જેમાં ગાંધીનગરના શહેરીજનોને આમંત્રણ અપાયું હતું. ગાંધીનગર કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ ખુદ એક વસાહતી બની આ મીટીંગમાં ગયાં હતાં. જેમને તેમનો પક્ષ ભીનો અને સૂકો કચરો અલગ કરવાને લઈને મૂક્યો હતો અને લોકોને આ અંગે શહેરના વસાહતી અને એક નાગરિક બની સમજ આપી હતી. પરંતુ શહેર વસાહતસંઘે કહ્યું હતું કે જો તમે ડસ્ટબિન અલગ અલગ નથી આપી શકતાં તો અમને મિલકતવેરાના ટેક્સમાં રિબેટ આપો.
આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્પોરેશન ઇલેક્શન હવે ચોમાસા બાદ યોજાશે, ચૂંટણી આયોગે કરી જાહેરાત