- રાજ્ય સરકારની હસ્તકની વિજકંપનીએ ફ્યૂઅલ ચાર્જમાં ઘટાડો કર્યો
- યુનિટ દીઠ 19 પૈસાનો કરવામાં આવ્યો ઘટાડો
- 3 મહિનામાં ગ્રાહકોને 356 કરોડની મળશે રાહત
ગાંધીનગર: રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂ. 356 કરોડની રાહતોનો લાભ મળશે.
ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81ના દરે વસૂલવાનો થશે
ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યૂઅલ સરચાર્જની વસૂલાત ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલી ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે, જુલાઈ 2020થી સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યૂઅલ સરચાર્જની વસૂલાત પ્રતિ યુનિટ રૂપિયા 2 પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર-2020થી ડિસેમ્બર 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ. 1.81ના દરે વસૂલવાનો થાય છે.
ગ્રાહકોને 356 કરોડનો ફાયદો થશે
ગત ત્રિમાસિક ગાળા કરતા આ ત્રિમાસિક ગાળામાં ફ્યૂઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે. આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 356 કરોડની રાહત મળશે.
140 કરોડ ગ્રાહકોને વિજબીલમાં ઘટાડો થશે
આ ફ્યૂઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે, આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે, જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે. આનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતા તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે.