ગાંધીનગર: કોરોના વાઇરસને કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે મોડી રાત્રે ખાસ નોટિફિકેશન બહાર પાડીને તમામ દુકાનો જે SHOP એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તેવી દુકાનોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે આજે રાજ્યની તમામ દુકાનો ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ અમુક દુકાનો નહીં ખોલવામાં આવે આ સાથે જ મોલ મલ્ટીપ્લેક્સ અને શોપિંગ કોમ્પ્લેક્ષ પણ ખુલશે નહીં. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ દુકાનો નહીં ખુલે.
આ બાબતે CM રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ રવિવાર 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યપ્રધાન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર જે દુકાનો-ધંધા વ્યવસાયને છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે, ઉપરાંત દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે, માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે, જ્યારે જે તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.
કોરોના સંક્રમણની સ્થિતીને કારણે લોકડાઉનની જાહેર થવાની પરિસ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઇ ગઇ છે, તેવી બજાર સમિતિઓની મુદત 31 જુલાઇ-2020 સુધીમાં પૂર્ણ થવાની છે, તેવી બજાર સમિતિઓની મુદત 31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે.