- ધોરણ 10ના બોર્ડના ફોર્મ ભરવાના શરૂ
- 5 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે
- મે મહિનામાં યોજાશે બોર્ડની પરીક્ષા
ગાંધીનગર : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શુક્રવારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે ધોરણ 10ના બોર્ડના પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 5 ફેબ્રુઆરીથી શરૂ 5 માર્ચ સુધી રાત્રિના 12 કલાક સુધી વેબસાઈટ પર ફોર્મ ભરી શકાશે.
એક મહિનો ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટે ઓનલાઈન સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જે મુજબ 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે આ પ્રક્રિયા એક મહિનો સુધી યથાવત રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા 5 માર્ચ સુધીમાં તેઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ ઉપરાંત તમામ પ્રકારની વ્યવસ્થા અને તમામ પ્રકારના સૂચનો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે.
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન ફોર્મ ભરવાના
ગત વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને તેવા વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપવા ઈચ્છે છે, તેવા વિદ્યાર્થીઓએ પણ ઓનલાઇન આવેદનપત્ર ભરવું પડશે.
મે મહિનામાં યોજાશે પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે, ત્યારે બોર્ડ દ્વારા ઓનલાઈન આવેદનપત્ર મંગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.આ વર્ષે ધોરણ 10ની અને 12ની બોર્ડની પરીક્ષામાં કોરોનાના ગાઇડલાઇન હેઠળ બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. આમ પરીક્ષાલક્ષી તમામ સૂચનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.