- પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જોડાશે કોંગ્રેસમાં
- 3 વર્ષ બાદ ફરી કરશે ઘર વાપસી
- વર્ષ 2017માં કોંગ્રેસમાંથી લીધી હતી વિદાય
ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા 1998થી કોંગ્રેસ પક્ષ જોડે જોડાયા હતા અને વર્ષ 2017સુધી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જ રહ્યા હતા. આ દરમિયાન તેઓએ વર્ષ 2004થી વર્ષ 2009 સુધી કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી પહેલાં જ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો સાથ છોડીને પોતાના જન વિકલ્પ મોરચાની શરૂઆત કરી હતી. જ્યારે હવે ફરીથી ત્રણ વર્ષ બાદ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં જોડાવાની તૈયારીઓ દાખવી છે.
વર્ષ 2012 થી 2017 સુધી કપડવંજના ધારાસભ્ય
વર્ષ 2012થી 2017 સુધી શંકરસિંહ વાઘેલા કપડવંજના ધારાસભ્ય તરીકે પણ ફરજ નિભાવી છે તેઓ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા છે. જ્યારે વર્ષ 2017 વિધાનસભા પહેલા જ તેઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાના જન વિકલ્પ મોરચાનાની સ્થાપના કરી હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ટ્રેકટરના નિશાન સાથે અનેક બેઠકો પર ચૂંટણી લડયા હતા.
અહેમદ પટેલ પછી વાઘેલા મજબૂત નેતા
રાજકીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના અવસાન બાદ હવે મજબૂત નેતા તરીકે શંકરસિંહ વાઘેલાનું ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં એવી એન્ટ્રી કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પણ બેઠક કરીને તમામ વાતચીત પૂર્ણ કરી છે. આમ, ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને પરત લાવવા માટેના મધ્યસ્થીની ભૂમિકા ભજવતા હોવાની પણ વાત સામે આવી રહી છે.
વર્ષ 1970 થી 1996 સુધી ભાજપમાં હતા
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વર્ષ 1970 થી 1996 સુધી ભાજપ પક્ષ સાથે રહ્યા છે. આ ઉપરાંત વર્ષ 1996થી 1998 સુધી રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ 1999 થી 2017 સુધી કોંગ્રેસ પક્ષ જોડે રહ્યા હતા.
કોંગ્રેસની ઉમેદવારીની જાહેરાત વાઘેલાની પેટર્ન મુજબ
છેલ્લા બે દિવસમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર જેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને જોતા શંકરસિંહ વાઘેલાના પેટર્ન પ્રમાણે જ આ જાહેરાત થઇ હોવાની પણ હવે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તે પહેલાં જ તેમના પેટર્ન પ્રમાણે જ સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારોની જાહેરાત થઇ રહી છે.