ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા 21 સપ્ટેમ્બરથી દેશની તમામ શાળાઓમાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા દિવાળી સુધી શાળાઓ શરૂ નહીં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રાજ્યમાં શાળા શરૂ કરવા માટે હજૂ પરિસ્થિતિ સારી નથી, જો શાળા શરૂ થાય તો વર્ગખંડમાં બાળકોમાં સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ છે. જો સામાજિક અંતર જાળવી રાખવામાં આવે તો એક વર્ગખંડમાં ફક્ત 20થી 22 જેટલા જ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકે તેમ છે. જો કે, સામાન્ય રિતે એક વર્ગખંડમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન સામાજિક અંતર જાળવી શકાતું નથી. જેથી જ્યાં સુધી રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ થાળે ન પડે અથવા તો કન્ટ્રોલમાં ન આવે ત્યાં સુધી રાજ્યમાં શાળાઓ શરૂ નહીં કરવામાં આવે. એટલે કે, દિવાળી સુધી રાજ્યમાં શાળા શરૂ થશે નહીં. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી છે.
રાજ્ય સરકાર પણ દિવાળી સુધી શાળા શરૂ નહીં કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટમાં પ્રતિદિન 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દિવાળી સુધી શાળાઓ શરૂ નહીં કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં હવે દિવાળી સુધી શાળાઓ શરૂ નહીં થાય. જો કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર શૈક્ષણિક સંઘ સાથે બેઠક યોજીને શાળાઓ ખોલવી કે નહી ખોલવી તે બાબતે જાહેરાત કરશે.