- રાજ્યમા દિવાળી બાદ શરૂ થશે શાળાઓ
- પ્રથમ તબક્કામાં ફક્ત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાઓ
- ETV ભારતે 19 અને 26 ઓક્ટોબરે રજૂ કર્યો હતો એહવાલ
ગાંધીનગર: રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથે કરેલી બેઠક બાદ શિક્ષણ પ્રધાને પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દિવાળી પછી રાજ્યમાં શાળાઓ ખુલે તેવી શક્યતાઓ છે. જેને લઇને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે. આમ અગાઉ પણ 19 અને 26 ઓક્ટોબરના દિવસે ETV ભારતે શાળાઓએ આ બાબતે ખાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે અહેવાલ પર આજે ગુરુવારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહોર મારી છે.
બે તબક્કામાં શરૂ થશે શાળાઓ
દિવાળી બાદ બે તબક્કામાં શાળાઓ શરૂ થશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રાથમિક શાળાઓ એટલે કે 1થી 8 સુધીની શરૂ કરવામાં આવશે. આમ હવે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણ એમ 2 તબક્કે શાળાઓ શરૂ કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર 3 દિવસની અંદર SOP જાહેર કરશે. વધુમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અને કૉલેજમાં અભ્યાસ શરૂ કરવા માટે તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત તમામ યુનિવર્સિટીના VC સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવામાં આવશે. આ સાથે શાળા તથા કૉલેજો શરૂ કરવા માટે SOP બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં વિજય રૂપાણીનું SOP બનાવવા સૂચન
ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બરે મળેલી કેબિનેટ બેઠકમાં પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ SOP બનાવવા માટે સૂચના આપી હતી. જેને લઈને 5 નવેમ્બરે બેઠક યોજવામાં આવી હતી. હવે વિવિધ યુનિવર્સિટીઓના VC સાથે પણ ઓનલાઇન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
શિક્ષકોના ટેસ્ટ થશે ?
શાળા શરૂ થાય તે પહેલાં તમામ તકેદારીને ધ્યાનમાં લઈને શિક્ષકોના પણ કોરોનાના ટેસ્ટ થશે કે નહીં? તે અંગેના ETV ભારતના પ્રશ્નોના જવાબમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર કામ કરવામાં આવશે. જો જરૂર પડશે તો શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.