- Gandhinagar FSLની પણ મદદ લઈ શકે છે પોલીસ
- સચિનના બે મોબાઇલ કબજે કરાયા
- આજે રીમાન્ડનો પ્રથમ દિવસ પૂર્ણ થવાના આરે
ગાંધીનગર : સચિન દીક્ષિત (Gandhinagar Abandoned Child Case) મામલે ગાંધીનગર કોર્ટે 14 તારીખ બપોરના બે વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે પોલીસે પણ દરેક પ્રકારના પુરાવા એકત્રિત કરવા માટે તજવીજ હાથ ધરી છે. સચિન દીક્ષિત (Accused Sachin Dikshit) વડોદરાથી ગાંધીનગર અને ગાંધીનગરથી રાજસ્થાન સુધી ગયો હતો. જેથી પોલીસ આ ત્રણ જગ્યાએથી પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
મોબાઈલના કોલ ડિટેલ્સ માટેની કાર્યવાહી હાથ ધરાઈ
આરોપી સચિન દીક્ષિતના (Accused Sachin Dikshit) પહેલા દિવસના રિમાન્ડમાં બે મોબાઈલ કબજે કરવામાં આવ્યાં છે. આ દરમિયાન એસ.ઓ.જી. પોલીસે સચિન દીક્ષિતના બંને મોબાઈલ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત મોબાઈલ્સની કોલ ડિટેલ્સ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. હત્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાત કરી હતી તેના માટે મોબાઈલ ડેટા મહત્વના સાબિત થશે. પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા માટે Gandhinagar FSLની પણ મદદ લઈ શકે છે. સચિન અને મહેંદી કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટાના આધારે વધુ સ્પષ્ટ થઈ શકે છે.
આવતીકાલે આરોપી સચિન દીક્ષિતને વડોદરા લઈ જવાય તેવી શકયતા
15 હજારના પગારમાં આરોપી સચિન (Accused Sachin Dikshit) બે ઘર ચલાવતો હોવાની માહિતી પણ સામે આવી છે. સચિન વડોદરા રહેતો હતો અને ત્યાં જ તેણે મહેંદી પેથાણીની હત્યા (Mehndi Murder case investigation) કરી હોવાથી વધુ પુરાવા માટે આવતીકાલે આરોપી સચિન દીક્ષિતને ફરી વડોદરા લઈ જવાય તેવી શકયતા પણ છે. આરોપીની હજુ પણ પૂછપરછની જરૂરિયાત લાગતા પોલીસ તપાસ યથાવત રાખવામાં આવશે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સચિન દીક્ષિતને કોઈએ મદદ કરી નથી. તેણે એકલાએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટનામાં સચિન દીક્ષિતના પરિવારની સામેલગીરી ન હોવાનો પણ ખુલાસો થયો છે. સચિન દીક્ષિતના રીમાન્ડનો આજે પ્રથમ દિવસ પૂર્ણ થવાના આરે છે ત્યારે અત્યાર પૂરતી આ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મહેંદી ઉર્ફે હીના પેથાણીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં Postmortem, પિતા કબજો લેવા પહોંચ્યાં