રાજ્યમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ દ્વારા ગુરૂવારથી હડતાળનો બીજો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટ સુધી મંડળ દ્વારા પાંચ વખત આવેદનપત્ર આપવામાં આવ્યાં હતા. પરંતુ તેનું નિરાકરણ નહીં આવતા ગુરૂવારથી કર્મચારીઓ મેદાનમાં આવી ગયા છે. મહેસૂલી કર્મચારીઓએ વિવિધ 17 જેટલા પ્રશ્નો લઇને અગાઉ રજૂઆત કરી હતી. પરંતુ તેમના પ્રશ્નો સામે આંખ આડા કાન કરવામાં આવતા ગુરૂવારથી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે.
રાજ્યમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઇને અનેક વખત સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવી હતી. પરંતુ તે માત્ર વાતો પૂરતી જ સીમિત રહી ગઈ હતી. જેને લઇને ગરૂવારથી આંદોલનનો બીજો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગત 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે.
આ અંગે ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમ દેસાઈએ જણાવ્યું કે, મહેસૂલી કર્મચારીઓના 17 જેટલા પ્રશ્નો લઈને અનેક વખત રજૂઆત કરી છે. છેલ્લે સરકારે અમારી સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ તે પરિણામ આપી શક્યા નથી. જેથી કર્મચારીઓને માત્ર લોલીપોપ આપવામાં આવી હોય તેવું ફલિત થઇ રહ્યું છે. જેને લઇને 9 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યની તમામ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલીકર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે. જેના અંતર્ગત ગુરૂવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પડતર પ્રશ્નનોની રજૂઆત કરવામાં આવશે.